________________
૪૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
અનેક ઉપાધિઓનો સંયોગ એકસાથે હોય છે તેમ એક પુરુષને પણ હોવાનો જ.120 પરિણામે, એક જ પુરુષને વિવિધ જન્મો એક કાળે એકસાથે આવી પડવાના. વળી, એક આકાશને અનેક ઉપાધિઓનો વિયોગ પણ એકસાથે થાય છે તેમ પુરુષને પણ થવાનો જ પરિણામે એક જ પુરુષને એકસાથે અનેક મરણો આવી પડવાનાં. (૨) જો ઉપાધિને કારણે જ પુરુષો અનેક હોય તો કૈવલ્યાવસ્થામાં પુરુષોનું બહુત્વ સંભવે જ નહીં, કારણ કે ત્યારે તો ઉપાધિઓ હોતી જ નથી. પરંતુ યોગભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે કે કૈવલ્ય પ્રાપ્ત કરનાર કેવલી આત્માઓ અનેક છે.121 આ દર્શાવે છે કે પુરુષબહુત્વ ઔપાધિક નથી પણ સ્વાભાવિક છે. પુરુષ સદા કર્માવરણરહિત
પુરુષને કર્મનું આવરણ નથી. પુરુષ કૂટસ્થનિત્ય હોઈ કોઈ કર્મ કરતો નથી. એટલે તેને કર્માવરણ ન જ હોય. વળી તે રાગ, દ્વેષ વગેરે કરતો નથી. અર્થાત્ તે કલેશરૂપે પરિણમતો નથી. એટલે તેને ક્લેશાવરણ પણ નથી. બીજા, શબ્દોમાં કહીએ તો, જૈનો જેને ભાવકર્મ કહે છે તેનું આવરણ પણ પુરુષને
નથી.
પુરુષ ગતિક્રિયારહિત
પુરુષ વિભુ હોઈ, તેને ગતિક્રિયા નથી. ગતિક્રિયાનો આરોપમાત્ર છે. જન્માન્તરમાં દેહ ધારણ કરવા તે ગતિ કરતો નથી પરંતુ ચિત્ત ગતિ કરે છે. ચિત્ત જન્મે છે અને ચિત્ત મરે છે. પુરુષ તો કૂટસ્થંનિત્ય છે. પુરુષમાં બંધ અને મોક્ષ ગૌણ
પુરુષ ફૂટસ્થનિત્ય હોઈ, બંધ અને મોક્ષ પુરુષના ન હોઈ શકે. પુરુષ તો શુદ્ધ-બુદ્ધ-નિત્યમુક્તસ્વભાવ છે. ચિત્તને અવિવેકજ્ઞાન હોય ત્યારે તે અવિવેક ચિત્તના દુઃખનું કારણ બને છે, અને ચિત્તના દુઃખપરિણામનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. આ દુઃખરૂપ પ્રતિબિંબને ધારવું એ જ પુરુષનો બંધ છે. વિવેકજ્ઞાનને પરિણામે દુ:ખપરિણામરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને છેવટે સર્વચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, તેના ફલસ્વરૂપ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડતું બંધ થઈ જાય છે. આ છે પુરુષનો મોક્ષ. આમ પુરુષમાં બંધ અને મોક્ષ ઔપાધિક છે. એટલે જ ઈશ્વરકૃષ્ણ કહે છે કે પુરુષ બંધાતો નથી, મુક્ત થતો નથી કે સંસરણ કરતો નથી. પરંતુ પ્રકૃતિ જ (કહો કે ચિત્ત જ) બંધાય છે, મુક્ત થાય છે અને સંસરણ કરે છે.122