________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
૩૨
પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો એવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે તેનો આધાર અને કર્મના ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે લાંબા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે.8 આમ, જૈનો કષાયને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા ઉપર નહીં. જૈનોએ સાંપરાયિક અને ઇર્યાપથિક કર્મબંધ
સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક બંધ થાય છે. કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિક બંધ થાય છે.9 સાંપરાયિક બંધને સમજાવવા માટે તેઓ ભીના ચામડા ઉપર પડેલી રજના ચોંટવાનું દૃષ્ટાંત આપે છે અને ઇર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત તરફ ફેકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત્ જૈનો કહેવા માંગે છે કે મન-વચનકાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ અથવા રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. આથી કષાય જ સંસારની ખરી જડ (મૂળ) છે. આમ, આપણે ઉપર કહ્યું તેમ અનાસક્ત પ્રવૃત્તિની વાત જ છેવટે ફલિત થાય છે. કર્મની મૂળ આઠ પ્રકૃતિઓ’°
(૧) જ્ઞાનાવરણીય કર્મ – આત્માની જ્ઞાનશક્તિને ઢાંકનાર કર્મ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
(૨) દર્શનાવરણીય કર્મ - અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ છે. આત્માની નિરાકાર ઉપયોગરૂપ શક્તિને ઢાંકનાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય
છે.
(૩) વેદનીય કર્મ - જે કર્મો સુખ-દુઃખનો અનુભવ કરાવે છે તે વેદનીય કર્મ કહેવાય છે.
(૪) મોહનીય કર્મ - મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મ. તત્ત્વપક્ષપાતને રુંધનાર કર્મ દર્શનમોહનીય કર્મ કહેવાય છે, અને ચારિત્રને રુંધનાર કર્મો ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે.
(૫) આયુષ્ય કર્મ - જે કર્મ આયુષ્યની મર્યાદાનું નિયમન કરે છે તે
આયુષ્ય કર્મ.