________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૨૮
છે અને પર્યાયાપેક્ષાએ અનેક છે. સમુદ્રનું પાણી એક પણ છે અને અનેક પણ છે, જલરાશિની દૃષ્ટિએ તે એક છે અને જલબિંદુઓની દૃષ્ટિએ અનેક છે. બધાં જલબિંદુઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં પેલા જલરાશિથી તે અભિન્ન છે. તેવી જ રીતે, અનંત ચેતન આત્માઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં પોતાના સ્વભાવને કારણે એક ચેતન આત્મદ્રવ્ય છે.48
જૈનો શરીરભેદે આત્મભેદ માને છે. એનો અર્થ એ કે સંસારી અવસ્થામાં આત્માઓ દેહે દેહે જુદા છે. પરંતુ જ્યાં દેહો જ નથી એવી મુક્તિની અવસ્થામાં આત્માની અનેકતા કેવી રીતે સંભવે એવો પ્રશ્ન કોઈને થાય. જૈનોએ તે મુક્તાત્માઓના છેલ્લા જન્મના શરીરના આકારો મુક્ત આત્માઓમાં માનીને આ અનેકત્વ મુક્તિમાં પણ ઘટાવ્યું છે.49 આત્માઓ અનન્ત
શરીરભેદે આત્મભેદ અને આત્મબહુત્વ માનવા ઉપરાંત જૈનો આત્માની સંખ્યા પરિમિત માનતા નથી પરંતુ અનન્ત માને છે, કારણ કે પરિમિત જીવસંખ્યા માનવાથી બે દોષ લાગે છે : (૧) મુક્ત જીવો ફરીથી સંસારમાં જન્મ લે છે એવું માનવું પડે. અથવા, (૨) સંસાર જીવોથી ખાલી થઈ જાય છે એવું માનવું પડે. અર્થાત્ જીવોની સંખ્યા પરિમિત હોય તો જીવો મુક્ત થતા રહેતા હોવાથી એક કાળ એવો આવે કે જ્યારે સંસાર જીવોથી ખાલી થઈ જાય. સંસાર ખાલી ન થઈ જાય એવું ઇચ્છે તો પરિમિત સંખ્યા માનનારે મુક્ત જીવો ફરીથી સંસારમાં જન્મ લે છે એમ માનવું પડે. આ બંને બાબતો ઇષ્ટ નથી. મુક્ત જીવો ફરીથી સંસારમાં જન્મ લે છે એમ માનવાથી મોક્ષ માટેની સાધના નિરર્થક થઈ પડે. અને સંસાર જીવોથી ખાલી થઈ જાય છે એમ માનતાં સંસાર અનાદિ અનંત છે એ વાત ઘટી શકે નહીં.50
ન
આત્મા દેહપરિમાણ
જૈનમતે આત્મા સંકોચવિકાસશીલ છે. જેમ દીવાનો પ્રકાશ નાના ઓરડામાં હોય ત્યારે નાના ઓરડાને અને મોટા ઓરડામાં હોય ત્યારે મોટા ઓરડાને પ્રકાશિત કરે છે, તેમ આત્મા પણ જે દેહમાં હોય છે તે દેહને ચૈતન્યથી વ્યાપ્ત કરે છે. ઉમાસ્વાતિ કહે છે કે પ્રદેશસંહારવિસાવ્યાં પ્રવીપવત્ ઃ અર્થાત્ આત્મા જે શરીરને ધારણ કરે છે તે શરીરના જેવડો થઈને રહે છે. આત્મા વ્યાપક હોય તો એકના ભોજન કરવાથી બધાને તૃપ્તિ થવી જોઈએ. મન અને શરીરના સંબંધની વિભિન્નતાથી પણ આ વ્યવસ્થા ઘટાવવી કઠિન છે. વળી, આત્માને વ્યાપક માનતાં સંસાર અને મોક્ષની વ્યવસ્થા પણ ઘટતી નથી. સર્વસમ્મત નિયમ