________________
જ્ઞાન-દર્શનની વિભાવનાને સમજવામાં કેટલી સહાયભૂત છે તેનું નિદર્શન કર્યું છે. (૩) જૈનસંમત આત્મા સાંખ્યયોગસંમત આત્મા સાથે સામ્ય નથી ધરાવતો પણ સાંખ્યયોગસંમત ચિત્ત સાથે અત્યંત સામ્ય ધરાવે છે એ દર્શાવ્યું છે. (૪) દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ઉપનિષદગત ચતુષ્ટયમાં “દર્શન” શબ્દનો અર્થ શ્રદ્ધા છે એ આંતરિક પુરાવાઓથી સિદ્ધ કર્યું છે. (૫) જૈનદર્શનમાન્ય નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધા એ બેનો વિકલ્પ નથી, પરંતુ તે બે ક્રમિક ભૂમિકાઓ છે તે તર્કપુરસ્સર પુરવાર કર્યું છે. (૬) મન:પર્યાયદર્શનનો અસંભવ કેમ તેમાં એક બુદ્ધિગમ્ય નવીન યુક્તિ આપી છે. (૭) ઐક્રિયક દર્શનોની યુગપતું ઉત્પત્તિ તેમજ જ્ઞાન અને દર્શનની યુગપત્ ઉત્પત્તિની બાબતમાં સાંખ્યયોગ અને જૈનદર્શનનાં મન્તવ્યોની વિવેચના અને તુલના કરી છે. (૮) બૌદ્ધોની જ્ઞાન-દર્શનની વિભાવનાને વિશદ રીતે સમજાવી છે. (૯) બૌદ્ધધર્મદર્શનમાં શ્રદ્ધાની વિવિધ ભૂમિકાઓનો સ્વીકાર છે, તે સ્પષ્ટકરી આપ્યું છે. (૧૦) જૈનદર્શનમાં પૂર્વકાળે આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રુત અને મતિનો અર્થ શ્રવણ અને મનન હતો, પરંતુ ઉત્તર કાળે પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ તેમનો વિચાર થતાં ક્રમ ઊલટાઈ ગયો અને તેમનો અર્થ વિશેષ પ્રકારના પ્રમાણશાનો - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થયો એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે.
- સંસ્કૃત વિષયમાં પીએચ.ડી.ની પદવી માટે ગુજરાત યુનિવર્સિટીએ આ મહાનિબંધ માન્ય કરેલ છે. મારા માર્ગદર્શક મુ. શ્રી માલવણિયાસાહેબે માર્ગદર્શન આપીને તેમ જ મારા લખાણને વાંચી, સુધારી, પ્રશંસી, પ્રોત્સાહન આપીને મારા આ સંશોધનકાર્યને પૂર્ણ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, તે બદલ હું તેમની અત્યંત
ઋણી છું. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ભૂતપૂર્વ અધ્યક્ષ મારા પિતા ડૉ. : નગીનભાઈ શાહે મારી સાથે ચર્ચાવિચારણા કરી નવા નવા અર્થઘટનોનું ઉદ્ઘાટન કરી મારા સંશોધનકાર્યને તેજસ્વી બનાવ્યું છે, તે બદલ હું તેમની કૃતજ્ઞ છું. તેમણે જ યોગ્ય સંપાદન કરી આ પ્રકાશન અંગેનું સઘળું કાર્ય કર્યું છે. જે પરિવારની હું પુત્રવધૂ છું તે શ્રી ન્યાલચંદ નાગરદાસ પરસોત્તમ(રાણપુર) પરિવારે મને આ સંશોધનકાર્ય કરવા પૂરી અનુકૂળતા કરી આપી; તે સમગ્ર પરિવારને આ ગ્રંથપ્રકાશન પ્રસંગે સ્નેહાદરપૂર્વક સ્મરું છું. અન્ને, મારા સંશોધનકાર્યમાં જે વિદ્વાનોના ગ્રંથોનો મેં ઉપયોગ કર્યો છે તે સૌ પ્રતિ હું આભારની લાગણી વ્યક્ત કરું છું.
જાગૃતિ દિલીપ શેઠ