________________
12
મનન પછીની શ્રદ્ધા છે. આને અવેચપ્પસાદરૂપ શ્રદ્ધા ગણવી જોઈએ. પરીક્ષિત ધર્મ ધ્યાનને યોગ્ય બને છે. દ્વિતીય ધ્યાનમાં ધર્મની જે ઝાંખી થાય છે, ધર્મનો જે કંઈક સાક્ષાત્કાર થાય છે તેને પરિણામે દ્વિતીય ધ્યાનમાં અધ્યાત્મપ્રસાદરૂપ શ્રદ્ધાનો ઉદય થાય છે. આમ આ શ્રદ્ધા નિદિધ્યાસન પછીની છે. શ્રદ્ધાની ભૂમિકાઓની આ જે વાત છે તે બહુ મહત્ત્વની છે. અધ્યાત્મશાસ્ત્રમાં સત્ય સાક્ષાત્કારનાં જે ચાર સોપાન છે - દર્શન (શ્રદ્ધા), શ્રવણ, મનન અને નિદિધ્યાસન, તેમનો જેમ ઉપનિષદમાં અને આચારાંગસૂત્રમાં સ્પષ્ટ નિર્દેશ છે તેમ બૌદ્ધધર્મદર્શનમાં પણ છે. અહીં દર્શનનો અર્થ ચિત્તપ્રસાદરૂપ શ્રદ્ધા છે અને તે શ્રદ્ધા શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી પુષ્ટ થઈ વિશેષ સંસ્કાર પામતી જાય છે. આ વસ્તુ ઉપનિષદો અને બૌદ્ધ પિટકોમાં સ્વીકૃત છે. આ વસ્તુ જૈનોની નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાને બે ક્રમિક ભૂમિકાઓ ગણવાનું આપણા ઉપર દબાણ કરે છે, નૈસર્ગિક શ્રદ્ધાને શ્રવણપૂર્વેની શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાને શ્રવણ પછીની પણ મનન પૂર્વેની શ્રદ્ધા ગણવા આપણા ઉપર દબાણ કરે છે. શ્રદ્ધા અને પ્રજ્ઞાના સંબંધ વિશે બે દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યા છે. એક અનુસાર જ્ઞાનના વધવા સાથે શ્રદ્ધા વધતી જાય છે અને જ્યારે જ્ઞાન પૂર્ણ બને છે, ત્યારે શ્રદ્ધા પણ પૂર્ણ બને છે. બીજા અનુસાર શ્રદ્ધાથી સાધના શરૂ થાય છે અને છેવટે શ્રદ્ધાનું સ્થાન પ્રજ્ઞા લે છે, એટલે જ અરહંતમાં શ્રદ્ધાનો અભાવ માનવામાં આવ્યો છે.
બીજા વિભાગમાં સૌપ્રથમ ન્યાય-વૈશેષિક મતે આત્માનું નિરૂપણ કર્યું છે. તેમના અનુસાર આત્મા કૂટસ્થનિત્ય છે, વિભું છે અને અનેક છે. બુદ્ધિ, સુખ, આદિ નવ ગુણો આત્માના વિશેષગુણો છે. ગુણ અને દ્રવ્યનો અત્યંત ભેદ છે, તેથી આત્મગુણો આત્માનું સ્વરૂપ નથી. પરિણામે મોક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી. આત્માના ગુણ તરીકે જ્ઞાનને સ્વીકાર્યું છે પણ દર્શનને સ્વીકાર્યું નથી. આનું શું કારણ હોઈ શકે તેનો શક્ય ખુલાસો આપ્યો છે. ન્યાયવૈશેષિકો સૌ માટેની કર્તવ્યરૂપ સામાન્ય ધર્મપ્રવૃત્તિમાં ધર્મશ્રદ્ધાનો સમાવેશ કરે છે. અહીં કન્દલીકાર શ્રદ્ધાનો અર્થ મનઃપ્રસાદ કરે છે, જ્યારે વ્યોમવતીકાર તેનો અર્થ ભક્તિવિશેષ કરે છે. ન્યાયભાષ્યકાર માનસિક શુભ પ્રવૃત્તિમાં દયા અને અસ્પૃહા સાથે શ્રદ્ધાનો સમાવેશ કરે છે. મહામહોપાધ્યાય ફણિભૂષણ જણાવે છે કે પૂર્વાચાર્યો શ્રદ્ધાનો અર્થ “વેદ અને વેદમૂલક શાસ્ત્રસિદ્ધાન્તમાં દૃઢ વિશ્વાસ’ એવો કરે છે.
આ મહાનિબંધનું જે કંઈ નૂતન પ્રદાન છે તેનો આછો ખ્યાલ અહીં આપું છું. (૧) સાંખ્ય-યોગસંમત અને જૈનદર્શનસંમત જ્ઞાન-દર્શનનું તુલનાત્મક અધ્યયન અહીં સૌપ્રથમ રજૂ થયું છે. (૨) સાંખ્ય-યોગની જ્ઞાન-દર્શનની વિભાવના જૈનદર્શનની