________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા. ૮૮ બધા જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓના બધા જ પર્યાયોને જાણનારું જ્ઞાન માનીએ તો નિયતિવાદ આવીને ઊભો રહે અને કર્મવાદને યા સ્વપુરુષાર્થ કે Free Willને કોઈ અવકાશ જ ન રહે. એટલે કર્મસિદ્ધાન્તનું વિરોધી આવું સર્વજ્ઞત્વ હોઈ, કર્મવાદી યા પુરુષાર્થવાદી દર્શનોમાં તેનું સ્થાન ન હોય, તેનું સ્થાન તો નિયતિવાદમાં જ હોય.
૨. સાંખ્ય યોગ દર્શન જ્ઞાન
બીજા પ્રકરણમાં જોયું તેમ જ્ઞાનનું ધારક ચિત્ત (બુદ્ધિ) છે, પુરુષ નથી. અર્થાત્ જ્ઞાન ચિત્તનો ધર્મ છે પુરુષનો ધર્મ નથી. જ્ઞાનનો વિષય છે બાહ્ય પદાર્થો તેમ જ પુરુષ.32 ચિત્ત તેના વિષયને કેવી રીતે જાણે છે ? ચિત્ત ઘટપટાદિ વિષયોના આકારે પરિણમીને ઘટપટાદિ વિષયોને જાણે છે અને પુરુષના આકારે પરિણમી પુરુષને જાણે છે. ચિત્તના આ વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કે જ્ઞાન કહેવામાં આવે છે. ચિત્તની બાબતમાં ઘટપટાદિ આકારરૂપ પરિણામના બદલે ઘટપટાદિ આકારરૂપ પ્રતિબિંબ કેમ નથી માન્યૂ ? વિજ્ઞાનભિક્ષુ યોગવાર્તિકમાં જણાવે છે કે ઘટાકારરૂપે પરિણમવા માટે સામે ઘટનું હોવું જરૂરી નથી, જ્યારે ઘટાકારરૂપ પ્રતિબિંબ ધારણ કરવા માટે સામે ઘટનું હોવું આવશ્યક છે. ચિત્ત ઘટના અભાવમાં પણ ઘટાકાર બને છે. એટલે આ ઘટાકાર પ્રતિબિંબરૂપ નહીં પરંતુ પરિણામરૂપ જ હોવો જોઈએ. સ્વપ્નમાં ચિત્તને ઘટજ્ઞાન થાય છે પરંતુ તે કાળે ઘટ તો હોતો નથી. આ દર્શાવે છે કે ચિત્તને કોઈપણ વસ્તુનું જ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે તે તે વસ્તુના આકારે પરિણમે છે.134 ચિત્તને પરિણામી માન્યું હોઈ આમ માનવામાં કોઈ બાધા આવતી નથી. ચિત્ત તો અચેતન છે, જડ છે, તેને જ્ઞાન કયાંથી હોય ? આના ઉત્તરમાં ઈશ્વરકૃષ્ણ વગેરે જણાવે છે કે ચેતનના સામીપ્યને કારણે અચેતન હોવા છતાં ચેતનાવાળું હોય એવું જણાય છે. 35 અર્થાત ચેતનાના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત ચેતનની જેમ વર્તે છે. ચિત્ત સત્ત્વ પ્રધાન છે, સત્ત્વનો ગુણ પ્રકાશ છે, એટલે ચિત્ત પ્રકાશસ્વરૂપ છે. પરંતુ ચિત્ત ચેતન નથી પણ જડ છે. આનો અર્થ એ કે આ ચિત્તનો પ્રકાશ એ જ્ઞાન અને આ પ્રકાશરૂપ જ્ઞાન જડનો ધર્મ હોઈ સ્વપ્રકાશ્ય નથી પરંતુ પરપ્રકાશ્ય છે. જ્ઞાનની પ્રક્રિયાની વિશેષ સમજૂતી પ્રત્યક્ષના નિરૂપણમાં આપણે આપીશું. જ્ઞાનના પ્રકારો
જ્ઞાન એ ચિત્તવૃત્તિ છે. પતંજલિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચિત્તવૃત્તિઓ કાં તો ક્લેશયુક્ત હોય છે કાં તો ક્લેશરહિત હોય છે.136 આના ઉપરથી બે