________________
૮૯ ॥ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
મહત્ત્વની હકીકત ફલિત થાય છે. એક, સામાન્ય માનવીનું ચિત્ત જ્યારે કોઈપણ વસ્તુને જાણે છે ત્યારે તેમાં જ્ઞાનની સાથે સુખ યા દુ:ખ તેમ જ રાગ,યા દ્વેષનો ભાવ ઊઠે છે. બીજું, સાધનાને પરિણામે વીતરાગ બની શકાય છે. અને આવી વીતરાગ વ્યક્તિનું જ્ઞાન નિર્મળ હોય છે, રાગ-દ્વેષના ભાવથી રહિત હોય છે.
યોગદર્શનમાં ચિત્તવૃત્તિઓનું અર્થાત્ જ્ઞાનોનું વર્ગીકરણ પાંચ વિભાગમાં કરવામાં આવ્યું છે - પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.
(૧) પ્રમાણ : ચિત્ત જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે જો ચિત્તમાં આવેલો આકાર બાહ્ય વિષયના આકાર જેવો જ હોય ( યથાર્થ હોય ) તો તે ચિત્તવૃત્તિ યા જ્ઞાન પ્રમાણ કહેવાય છે. સાંખ્ય-યોગ ત્રણ પ્રમાણો સ્વીકારે છે - પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ (આગમ). આમાંથી પ્રત્યક્ષનું નિરૂષણ વિગતે કરવું જરૂરી છે.
પ્રત્યક્ષ ઃ ઈન્દ્રિયના માધ્યમથી બાહ્ય વસ્તુના સંપર્કમાં આવવાથી તે સામાન્યવિશેષાત્મક વસ્તુના આકારે જ્યારે ચિત્ત પરિણમે છે ત્યારે તે ચિત્તપરિણામને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ ચિત્તપરિણામ(ચિત્તવૃત્તિ)માં વિશેષ પ્રધાન હોય છે, સામાન્ય ગૌણ હોય છે.137
પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિની પ્રક્રિયામાં ઈન્દ્રિયો, મન, અહંકાર, બુદ્ધિ (ચિત્ત) મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યવહારમાં માણસ કોઈપણ વસ્તુનું પહેલાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા આલોચન કરે છે, પછી મન દ્વારા તેના ગુણદોષ વિચારે છે, પછી પોતે તેને વિશે કરવા કંઈક સમર્થ છે એમ અભિમાન ધારણ કરે છે અને છેવટે તે ક્રિયાવ્યાપાર કરવાનો અધ્યવસાય કરે છે. આ અધ્યવસાય એ બુદ્ધિનો અસાધારણ ધર્મ છે. આ પ્રમાણે વાચસ્પતિ મિશ્ર સંમજાવે છે.138 બીજા એક સ્થાને તે જણાવે છે કે પ્રત્યક્ષની ઉત્પત્તિના ક્રમમાં પ્રથમ નિર્વિકલ્પક જ્ઞાન અને પછી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયોનો વિષય સાથે સન્નિકર્ષ થતાં ઈન્દ્રિયની વિષયાકાર વૃત્તિ થાય છે. આ ઈન્દ્રિયવૃત્તિને “આલોચનમાત્ર' નામે ઓળખવામાં આવે છે. આ આલોચનવૃતિ સમ્મુગ્ધવસ્તુમાત્રદર્શનરૂપ હોય છે અર્થાત્ આ વખતે વસ્તુગત સામાન્ય, વિશેષ પૃથરૂપે ગૃહીત થતાં નથી. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ બધું અવિભક્તરૂપે ગૃહીત થાય છે. આને જ દાર્શનિક પરિભાષામાં નિર્વિકલ્પક જ્ઞાન કહેવામાં આવે છે. પછી મનની સંકલ્પ અને વિકલ્પરૂપ ક્રિયા શરૂ થાય છે અર્થાત્ મન પૃથક્કરણ શરૂ કરે છે. આ વખતે મન વસ્તુની વિવેચના કરે છે, તેના દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષને પૃથક્ કરી તેમને ગ્રહણ કરે છે. આને પરિણામે વસ્તુ સ્પષ્ટરૂપે ગૃહીત થાય છે. તેનો આકાર-પ્રકાર