________________
૮૫
– જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
અને બધા કાળના બધા પુરુષોનું જ્ઞાન સર્વજ્ઞ વિના બીજા કોઈને કેવી રીતે હોઈ શકે ? સર્વજ્ઞનું બાધક અનુમાન પણ નથી. કેટલાક સર્વજ્ઞના બાધક અનુમાન તરીકે નીચેનું અનુમાન આપે છે - અર્હન્ત સર્વજ્ઞ નથી કારણ કે તે વક્તા છે અને પુરુષ છે, રસ્તે જનાર માણસની જેમ. આ અનુમાન સર્વજ્ઞનું બાધક નથી કારણ કે વક્તૃત્વ અને સર્વજ્ઞત્વનો કોઈ વિરોધ નથી. એકની એક વ્યક્તિ વક્તા પણ હોઈ શકે છે અને સર્વજ્ઞ પણ હોઈ શકે છે. જો. જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનોનો હ્રાસ દેખાતો હોત તો જ્ઞાનની ઉત્કૃષ્ટતામાં વચનોનો અત્યંત હ્રાસ થાત. પરંતુ હકીકતમાં તો જ્ઞાનની વૃદ્ધિ સાથે વચનની પણ પ્રકર્ષતા દેખાય છે. સર્વજ્ઞત્વનો પુરુષ સાથે પણ કોઈ વિરોધ નથી. પરંતુ સર્વજ્ઞત્વનો રાગ સાથે વિરોધ છે. તેથી જે પુરુષમાં રાગ હોય ત્યાં સર્વજ્ઞત્વ ન હોય. સર્વજ્ઞત્વનો વીતરાગતા સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે જે પુરુષ વીતરાગ હોય તે સર્વજ્ઞ હોય જ. આમ પ્રસ્તુત અનુમાન સર્વજ્ઞનું બાધક નથી. આગમ પણ સર્વજ્ઞનું બાધક નથી. વેદ, જૈન આગમો વગેરે પણ બાધક નથી. (૫) આજ પ્રાયઃ બધા પુરુષ રાગી દેખાય છે, તો અતીત યા ભવિષ્યમાં કોઈ પૂર્ણ વીતરાગીની યા સર્વજ્ઞની સંભાવના કેવી રીતે થઈ શકે ? આનો ઉત્તર છે કે આત્મા અનંતજ્ઞાનસ્વરૂપ છે. રાગાદિ તેનું સ્વરૂપ નથી. તેથી યોગસાધના અને મૈત્રી આદિ ભાવનાથી તેમનો ઉચ્છેદ શક્ય છે અને પરિણામે આત્માના અનંતજ્ઞાનનું પૂર્ણ પ્રાકટ્ય સંભવિત છે.124 (૬) સર્વજ્ઞ જ્યારે રાગી આત્માના રાગનો કે દુ:ખનો સાક્ષાત્કાર કરે ત્યારે તે પોતે સ્વયં રાગી અને દુઃખી થઈ જશે - આવી આપત્તિ આપવામાં આવે છે. તેનું સમાધાન એ છે કે દુઃખ યા રાગને જાણવાથી કોઈ રાગી કે દુ:ખી નથી થઈ જતું. મદ્યને જાણવામાત્રથી કોઈ મદ્યપાન કરનારો બની જતો નથી કે મત્ત બની જતો નથી.125 (૭) આચાર્ય વીરસેનસ્વામીએ જયધવલા ટીકામાં કેવલજ્ઞાનની સિદ્ધિ માટે એક નવી જ યુક્તિ આપી છે. તેઓ લખે છે કે કેવલજ્ઞાન જ આત્માનો સ્વભાવ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણ કર્મોથી આવૃત છે અને આવરણના ક્ષયોપશમ અનુસાર મતિજ્ઞાન આદિના રૂપમાં પ્રગટ થાય છે. તેથી જ્યારે આપણે મતિજ્ઞાન આદિનું સ્વસંવેદન કરીએ છીએ ત્યારે તે રૂપે અંશી કેવલજ્ઞાનનું પણ અંશતઃ સ્વસંવેદન થઈ જાય છે. જેવી રીતે પર્વતના એક અંશને જોઈને પર્વતનું વ્યવહારતઃ પ્રત્યક્ષ માનવામાં આવે છે તેમ મતિજ્ઞાનાદિ અવયવોને જોઈને અવયવીરૂપી કેવલજ્ઞાન અર્થાત્ જ્ઞાનસામાન્યનું પ્રત્યક્ષ પણ સ્વસંવેદનથી થાય છે. અહીં આચાર્ય કેવલજ્ઞાનને જ્ઞાનસામાન્યરૂપ માને છે અને તેની સિદ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી કરે છે.126