________________
અવિદ્યાનું લક્ષણ - દ્વિતીય અને તૃતીય
અવિદ્યાનું દ્વિતીય લક્ષણ છે - ભ્રમનું ઉપાદાનકારણ જે છે તે અવિદ્યા છે. ભ્રમનું ઉપાદાનત્વ જ અવિદ્યાત્વ છે. અવિઘા જ ભ્રમનું ઉપાદાન થઈ શકે. આ વિશ્વભ્રમનું ઉપાદાન માયા કે અવિદ્યા છે. બ્રહ્મ વિશ્વભ્રમનું અધિષ્ઠાન છે, ઉપાદાન નથી. જો બ્રહ્મ વિશ્વભ્રમનું ઉત્પાદાન હોય તો આ દ્વિતીય અવિદ્યાલક્ષણની બ્રહ્મમાં અતિવ્યાપ્તિ થવાનો દોષ આવે. તેથી જેઓ અવિદ્યાનું આ દ્વિતીય લક્ષણ સ્વીકારે છે તેમના મતે બ્રહ્મ વિશ્વભ્રમનું અધિષ્ઠાન જ છે, ઉપાદાન નથી. જેઓ અવિદ્યા સહિત બ્રહ્મને વિશ્વભ્રમનું ઉપાદાન સ્વીકારે છે તેમના મતમાં આ લક્ષણ સંગત થતું નથી, કારણ કે તેમના મતે બ્રહ્મ અને અવિદ્યા બંનેમાં વિશ્વભ્રમનું ઉપાદાનત્વ હોઈ બ્રહ્મમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિનો દોષ આવે છે. તેથી જેઓ બ્રહ્મને ભ્રમનું અધિષ્ઠાન જ ગણે છે, ઉપાદાન ગણતા નથી, તેમના મતે જ આ બીજું લક્ષણ સમજવું જોઈએ. જો સૂક્ષ્મ વિચારણા કરીએ તો જણાશે કે જેઓ બ્રહ્મને પણ ભ્રમનું ઉપાદાન સ્વીકારે છે તેમના મતમાં પણ, અવિદ્યાના (માયાના) ઉપાદાનત્વથી બ્રહ્મના ઉપાદ્દાનત્વમાં વૈલક્ષણ્ય છે. અવિદ્યા પરિણામી વસ્તુ છે અને બ્રહ્મ અપરિણામી વસ્તુ છે. પરિણામિત્વરૂપે ઉપાદાનત્વ અવિદ્યામાંજ સંભવે છે, બ્રહ્મમાં સંભવતું નથી. વળી, અવિદ્યા અચેતન અર્થાત્ જડ છે, બ્રહ્મ અજડ અર્થાત્ ચેતન છે. અચેતનત્વરૂપે ઉપાદાનત્વ અવિદ્યામાં જ સંભવે છે, બ્રહ્મમાં સંભવતું નથી. તેથી પરિણામિત્વરૂપે કે અચેતનત્વરૂપે ઉપાદાનત્વ અવિદ્યાલક્ષણ છે એમ કહેતાં બ્રહ્મમાં લક્ષણની અતિવ્યાપ્તિ થવાનો દોષ આવશે નહિ. ભ્રમનું પરિણામિત્વરૂપે ઉપાદાનત્વ કે ભ્રમનું અચેતનત્વરૂપે ઉપાદાનત્વ જ અવિદ્યાત્વ છે. જે ઉપાદાનતાનો અવચ્છેદક ધર્મ પરિણામિત્વ કે અચેતનત્વ છે તે ઉપાદાનતા જ અવિદ્યાનું લક્ષણ છે. આમ કહેતાં બ્રહ્મને ભ્રમનું ઉપાદાન સ્વીકારીએ તો પણ બ્રહ્મમાં આ દ્વિતીય અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ થવાના દોષ આવશે નહિ. પરિણામિત્વ કે અચેતનત્વ ધર્મ બ્રહ્મમાં નથી, એટલે પરિણામિત્વરૂપે કે અચેતનત્વરૂપે બ્રહ્મ ભ્રમનું ઉપાદાન નથી જ. જે ઉપાદાનતાનો અવચ્છેદક ધર્મ પરિણામિત્વ કે અચેતનત્વ છે તે ઉપાદાનતા બ્રહ્મમાં નથી જ. આમ પ્રદર્શિત દ્વિતીય અવિદ્યાલક્ષણ અતિવ્યાપ્તિદોષથી દૂષિત નથી. `
અહીં ન્યાયામૃતકાર આશંકા કરે છે કે અભાવભ્રમનું ઉપાદાન ભાવરૂપ અજ્ઞાન(અવિદ્યા) બની શકે નહિ. ભાવ અને અભાવનું સારૂપ્ય ન હોઈ, ભાવરૂપ અજ્ઞાન આરોપિત અભાવનું ઉપાદાન બની શકે નહિ. આમ અભાવભ્રમનું ઉપાદાનત્વ ભાવરૂપ અજ્ઞાનમાં ન હોઈ, ભ્રમોપાદાનત્વરૂપ અજ્ઞાનલક્ષણ અવ્યાપ્તિદોષથી દૂષિત છે. ન્યાયામૃતકારની આશંકાના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અભાવારોપના નિવર્તક પ્રમાજ્ઞાન દ્વારા નિવર્ત્ય અજ્ઞાનમાં આ દ્વિતીય અવિદ્યાલક્ષણની અભ્યાપ્તિ થવાનો દોષ ઊભો થતો નથી. એનું કારણ એ છે કે અભાવવિલક્ષણ અજ્ઞાન પણ અભાવનું ઉપાદાન બની શકે છે; અને આ વસ્તુ અમે પૂર્વે વિાદપણે સમજાવી છે.
२
ભ્રમ અજ્ઞાનોપાદાનક છે એમ કહેવામાં આવ્યું છે. અહીં ન્યાયામૃતકાર શંકા કરે છે કે ભાવવિલક્ષણ અજ્ઞાન ભ્રમનું ઉપાદાન બની શકે નહિ. તેનું કારણ એ છે કે ઉપાદાન અને