________________
અવિવાનું લક્ષણ - પ્રથમ અવિદ્યાનિવૃત્તિમાં પ્રતિબંધક છે. પ્રતિબંધકની હયાતીમાં કારણ હોવા છતાં કાર્ય ઉત્પન્ન થતું નથી. પ્રતિબંધકના અભાવમાં જ કારણ કાર્યને ઉત્પન્ન કરે છે. પ્રતિબંધકનો અભાવ થવામાં વિલંબ થવાને કારણે અવિઘાનિવૃત્તિમાં વિલંબ થતો હોવા છતાં પ્રદર્શિત અવિદ્યાદ્રયની જ્ઞાનનિવર્ચતામાં કોઈ ક્ષતિ આવતી નથી. કારણ કાર્યનું જનક હોવા છતાં પ્રતિબંધકના અસ્તિત્વના લીધે તે કારણ કાર્યને ઉત્પન્ન કરતું નથી એટલે કારણને અકારણ કહી શકાય નહિ. જે કારણ સ્વીકાર્યને અવિલંબ ઉત્પન્ન કરે છે તે જ કારણ પ્રતિબંધને કારણે સ્વીકાર્યની ઉત્પત્તિમાં વિલંબ કરે છે, પરંતુ તેથી કારણની સ્વકાર્યજનક્તાનો ભંગ થતો નથી. તેથી જેમ પાધિક ભ્રમના દષ્ટાન્તમાં ઉપાધિની નિવૃત્તિના સહકારથી જ્ઞાન ઔપાધિક ભ્રમની ઉપાદાનભૂત અવિદ્યાનું નિવર્તક બની શકે છે તેમ જીવન્મુક્તની અવિઘાના દષ્ટાન્તમાં ભોગ દ્વારા થતી પ્રારબ્ધ કર્મની નિવૃત્તિના સહકારથી જીવન્મુક્ત પુરુષનું તત્ત્વજ્ઞાન અવિદ્યાનું નિવર્તક બને છે. નિષ્કર્ષ એ કે પ્રસ્તુત બંને સ્થળે અવિઘામાં જ્ઞાનનિવર્તુત્વ ધર્મ છે. તેથી અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ આવતો નથી.
અહીંન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે પ્રદરિત બેય સ્થળે જ્ઞાન ઉત્પન્ન થયું હોવા થતાં પ્રતિબંધકની હાજરી હોવાથી જ્ઞાન અવિદ્યાને દૂર કરતું નથી એમ અદ્વૈત વેદાન્તી ન કહી શકે. સ્વપ્રાગભાવનું નિવર્તક જ્ઞાન પોતાની ઉત્પત્તિમાત્રથી સ્વપ્રાગભાવની નિવૃત્તિ કરી શકે છે. અવિદ્યાને (અજ્ઞાનને) અદ્વૈતવેદાન્તી જ્ઞાનપ્રાગભાવ તરીકે સ્વીકારતા ન હોવા છતાં અજ્ઞાનનો જ્ઞાનપ્રાગભાવ સાથે તુલ્યયોગક્ષેમ છે એમાં કોઈ સંદેહ નથી. તેથી જ જ્ઞાન ઉત્પન્ન થતાં અજ્ઞાન રહી રાતું નથી – હજાર પ્રતિબંધકો હોય તો પણ. અહીં કોઈ ન્યાયામૃતકાર પાસેથી જાણવા ઈચ્છે કે જ્ઞાન ઉત્પન્ન થયા પછી અજ્ઞાનની (અવિદ્યાની) નિવૃત્તિમાં વિલંબ માનીએ તો શું દોષ
આવે? ક્યા અનુભવનો વિરોધ થાય? ન્યાયામૃતકારનો ઉત્તર એ છે કે જ્ઞાન ઉત્પન્ન થવા * છતાં અજ્ઞાનની નિવૃત્તિન થાય તો જ્ઞાત વસ્તુમાં પણ અજ્ઞાતત્વની આપત્તિ આવે. વસ્તુનું જ્ઞાન
થયું છે માટે તે જ્ઞાત, પરંતુ તે વસ્તુના અજ્ઞાનની નિવૃત્તિ નથી થઈ માટે તે અજ્ઞાત. તેથી જ્ઞાત વસ્તુમાં આ વસ્તુ અજ્ઞાત છે એ જાતના વ્યવહારની આપત્તિ આવે. પરિણામે, જ્ઞાન ઉત્પન્ન : થવા છતાં અવિદ્યાની (અજ્ઞાનની) નિવૃત્તિ થતી નથી એમ કહેવાય નહિ, કહો તો અનુભવવિરોધ થાય."
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારે જે અનુભવવિરોધ બતાવ્યો છે તે યોગ્ય નથી. જ્ઞાત વસ્તુમાં અજ્ઞાતત્વના વ્યવહારની આપત્તિ આવી શકે નહિ, કારણ કે અંવિદ્યામાં (અજ્ઞાનમાં) બે શક્તિ છે – આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ. અવિદ્યા વિષયનું આવરણ કરે છે. જ્ઞાન વિષયનો પ્રકાશ કરે . આવરણ અને પ્રકાશ પરસ્પરવિરોધી છે. આને કારણે જ અવિદ્યાની સાથે જ્ઞાનની વિરોધિતા છે. જ્ઞાન ઉત્પન્ન થતાં અવિદ્યા આવરણ કરી શકે નહિ. પરંતુ અવિદ્યાની વિક્ષેપશક્તિ સાથે જ્ઞાનની વિરોધિતા નથી. અવિદ્યાની આવરણશક્તિ દ્વારા જ વિષય અજ્ઞાત બની ‘અજ્ઞાત વ્યવહત થાય છે. જ્ઞાનની કેવળ ઉત્પત્તિ થતાં જ અવિદ્યાની આવરણશક્તિ દૂર થઈ જતી હોવાથી વિષયને અજ્ઞાત કહી વ્યવહૂત કેમ કરાય? આવરણશક્તિવિશિષ્ટ અવિદ્યા જ “અજ્ઞાત વ્યવહારનું કારણ છે. જ્ઞાન દ્વારા આવરણશક્તિ નિવૃત્ત થતાં આવરણશક્તિવિશિષ્ટ અવિદ્યા રહી શકે નહિ. એટલે જ્ઞાત વસ્તુમાં ‘અજ્ઞાત’ વ્યવહાર પણ થઈ શકે નહિ. ૨૫