________________
(૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત
૮૫
ભોગ ભોગવ્યા. તેવામાં તે રાણીનો પતિ રાજા ત્યાં આવ્યો. તે સમયે બારણા પાસે ઊભેલી દાસીના મુખથી રાજાનું આગમન સાંભળીને ભયથી વિહ્વળ બનેલી રાણીએ તે લલિતાંગને અપવિત્ર વસ્તુથી ભરેલા કૂવાની અંદર ઉતાર્યો; અને રાજાની સાથે હાસ્યવિનોદ વગેરેની વાર્તા કરવા લાગી.
અશુચિ કૂપમાં રહેલો લલિતાંગ પણ ક્ષુધા અને તૃષાની અત્યંત પીડા સહન કરવા લાગ્યો. કારણ કે ત્યાં તે તદ્દન પરવશ હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ‘અકૃત્ય કરનાર એવા મારા વિષયલંપટપણાને ધિક્કાર છે!' એ પ્રમાણે તેવી સ્થિતિમાં રહેતા તેને ઘણા દિવસો વીતી ગયા. રાણી પણ તેને ભૂલી ગઈ. સ્ત્રીઓના કૃત્રિમ પ્રેમને ધિક્કાર છે! લલિતાંગ ત્યાં રહેતાં મૃત તુલ્ય થઈ ગયો. અનુક્રમે વર્ષાઋતુમાં તે કૂવો જળથી ભરાતા અપવિત્ર જળના પ્રવાહમાં ખેંચાઈને તે બહાર નીકળ્યો અને પોતાના આસજનોને મળ્યો. તેણે પોતાની સર્વ હકીકત તેઓને કહી. તે વિષયાભિલાષથી વિમુક્ત થયો. કેટલાક દિવસ ઘરમાં રહેવાથી તેના શરીરની સ્થિતિ સુધરી. તે સ્વસ્થ થઈને બહાર નીકળ્યો એટલે ફરીથી રાણીએ તેને દીઠો અને ઓળખ્યો. તેણે દાસીને તેડવા મોકલી એટલે લલિતાંગે કહ્યું કે હું ફરીથી એવું કરીશ નહીં, વિષયમાં આસક્ત થવાથી મેં બહુ પીડા ભોગવી છે. તે સાંભળી દાસી પાછી વળી. પછી તે વિષયથી વિરક્ત થઈને સુખી થયો.
માટે હે સ્ત્રીઓ ! જો હું વિષયમાં આસક્ત થાઉં તો લલિતાંગકુમારની પેઠે હું પણ દુઃખી થાઉં. તેથી વિષયમાં પ્રીતિ રાખવી મને યોગ્ય નથી.
“સમ્યક્ત્વ ને શીલરૂપ બે તુંબડાવડે આ ભવસમુદ્ર સુખે તરી શકાય છે; તેવા બે તુંબડાને ધારણ કરનારો જંબૂકુમાર સ્ત્રીરૂપી નદીમાં કેમ બૂડે?’’
એ પ્રમાણે જંબૂકુમારે ઘણો ઉપદેશ દીધો. એમ પરસ્પરના ઉત્તર-પ્રત્યુત્તરમાં રાત્રિ વ્યતીત થઈ. એટલે સ્ત્રીઓ પણ વૈરાગ્યરસથી પૂર્ણ થઈ ગઈ. તેમણે કહ્યું કે હે સ્વામી! વ્રત પાળવાં તે દુષ્કર છે. બાકી આ વૈરાગ્યરસ તો અનુપમ છે. જેઓએ આ વૈરાગ્યરસને સારી રીતે સેવેલો છે, તેઓએ મુક્તિપદ અલંકૃત કરેલું છે.' એ પ્રમાણે કહેવા વડે સ્ત્રીઓએ જંબૂકુમારનું વચન માન્ય કર્યું.
તે સમયે પ્રભવે કહ્યું કે “મારું પણ મોટું ભાગ્ય છે કે મેં ચોર છતાં પણ આવી વૈરાગ્યની વાર્તા સાંભળી. આ વિષયનો અભિલાષ મહાવિષમ છે. વિષયરાગ તજવો ઘણો દુષ્કર છે. જેણે યુવાવસ્થામાં પણ ઇન્દ્રિયોને વશ કરી લીધી છે એવા તમને ધન્ય છે!' જંબૂકુમારે પણ તેનો ઉદ્ઘાર કરવા માટે તેને ઘણો પર્ણોપદેશ આપ્યો. એટલે વૈરાગ્યયુક્ત થઈ પ્રભવ ચોરે કહ્યું કે ‘તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ.’
દે અનુક્રમે પ્રાતઃકાળ થયો, એટલે કોણિક રાજાએ તમામ હકીકત સાંભળી;