________________
८०
ઉપદેશમાળા
તેમ ઠંડો લાગતો ગયો, તેથી તેણે આખું શરીર કાદવથી લીપ્યું; પણ તેથી તેની તૃષા ગઈ નહીં અને સૂર્યના તાપથી જ્યારે કાદવ સુકાયો ત્યારે તેને શરીરે ઘણી પીડા થઈ. તેવી રીતે હે પ્રિયે! વિષયસુખરૂપી કીચડથી હું મારા શરીરને લેપીશ નહીં.”
હવે પાંચમી શ્રી નભસેના કહેવા લાગી કે હે સ્વામી ! અતિલોભ ન કરવો, અતિલોભથી બુદ્ધિ નષ્ટ થાય છે. તે ઉપર સિદ્ધિ અને બુદ્ધિનું દૃષ્ટાંત છે.' તેણે સિદ્ધિ બુદ્ધિનું દૃષ્ટાંત કહ્યું. તે સાંભળી જંબૂકુમારે ઉત્તર આપ્યો કે “હે પ્રિયે ! બહુ કહેવાથી પણ જાતિવંત ઘોડાની પેઠે હું અવળે માર્ગે ચાલનાર નથી.
જાતિવંત ઘોડાનું દૃષ્ટાંત
વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘેર એક ઘોડો હતો. તે ઘોડો તેણે જિનદત્ત નામના શ્રાવકના ઘરે રાખેલો હતો. તે ઘોડો અનેક સારાં લક્ષણવાળો હોવાથી એક દિવસે કોઈ પલ્લીપતિએ તેને ઉપાડી લાવવા માટે પોતાના એક સેવકને મોકલ્યો. તેણ ખાતર પાડીને તે ઘોડાને બહાર કાઢ્યો, પરંતુ તે ઘોડો ઉન્માર્ગે ચાલતો નથી. તેણે ઘણો પ્રયાસ કર્યો, પણ ઘોડો પોતે અનુભવેલા રાજમાર્ગ સિવાય અન્ય રસ્તે કોઈ રીતે ચાલ્યો નહીં. એટલામાં શેઠે જાગી જવાથી તે જાણ્યું એટલે ચોરને બાંધીને ઘોડો લઈ લીધો. પછી ચોરને પણ મુક્ત કર્યો. એવી રીતે હે પ્રિયે! હું પણ ઘોડાની પેઠે શુદ્ધ સંયમરૂપી માર્ગને છોડી, ચોરો સમાન જે તમે તેનાથી આકર્ષણ કરાતો, કુમાર્ગે જઈશ નહીં.”
હવે છઠ્ઠી સ્ત્રી કનકશ્રી કહેવા લાગી કે હે સ્વામી! તમે અતિ હઠ કરો છો તે યુક્ત નથી. સમજુ મનુષ્ય આગામી કાળનો વિચાર કરવો જોઈએ. બ્રાહ્મણના છોકરાની પેઠે ગધેડાનું પૂછડું પકડી રાખવું ન જોઈએ.’ પ્રભવે કહ્યું કે ‘એ દ્વિજ કોણ હતો ?” કનક્શી કહે કે સાંભળો—.
વિપ્રપુત્રનું દૃષ્ટાંત
એક ગામમાં એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે ઘણો મૂર્ખ હતો. તેને તેની માતાએ કહ્યું કે ‘પકડેલું છોડી દેવું નહીં એ પંડિતનું લક્ષણ છે.’ તે મૂર્ખાએ પોતાની માતાનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કોઈ કુંભારનો ગધેડો તેના ઘરમાંથી ભાગ્યો. કુંભાર તેની પછવાડે દોડ્યો. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે ‘અરે ! આ ગઘેડાને પકડ, પકડ.’ તે મૂર્ખાએ તે ગઘેડાનું પૂછડું પકડ્યું અને ગઘેડો પગની લાતો મારવા લાગ્યો, તો પણ તેણે પૂછડું મૂક્યું નહીં. એટલે લોકો કહેવા લાગ્યા કે ‘અરે મૂર્ખ ! પૂછડું છોડી દે.' ત્યારે પેલા છોકરાએ કહ્યું કે ‘મારી માતાએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહીં.’ આ પ્રમાણેના કદાગ્રહથી તે મૂર્ખ કષ્ટ પામ્યો.