________________
(૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત
૭૩
મેઘજલની ધારા જેવી દેશના આપી, અને સંસારના સ્વરૂપની અનિત્યતા દર્શાવી. તેમણે કહ્યું કે ‘જેમ કામીઓનું મન ચંચલ હોય છે, મૂષા (સોનું ગાળવાની કુલડી) ની અંદર રહેલું પ્રવાહી બનેલું સોનું ચંચળ હોય છે, જળમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ ચંચળ હોય છે અને વાયુથી હણાયેલો ઘ્વજનો પ્રાંત ભાગ જેમ ચંચળ હોય છે તેવી જ રીતે આ સંસારનું સ્વરૂપ અસ્થિર છે. વળી જેવી રીતે અંગૂઠો ચૂસી પોતાની જ લાળનું પાન કરતો બાળક જેમ સુખ માને છે, તેમ આ જીવ પણ નિંદિત ભોગ ભોગવી સુખ માને છે. અહો ! આ લોકોનું મૂર્ખપણું કેવું છે કે તે જેમાં ઉત્પન્ન થયો છે તેમાં જ આસક્ત થાય છે! જેનું પાન કરેલું છે તે જ સ્તનોનો સ્પર્શ કરવાથી મનમાં ખુશી થાય છે!' ઇત્યાદિ દેશના સાંભળીને જંબૂકુમાર પ્રતિબોધ પામ્યા.
તેમણે સુધર્મા સ્વામીને કહ્યું કે ‘હે સ્વામી ! મને સંસારનો નિસ્તાર કરનારી દીક્ષા આપીને મારો ઉદ્ઘાર કરો.’ સુધર્મા સ્વામીએ કહ્યું કે ‘હે દેવાનુપ્રિય ! પ્રમાદ કર નહીં.’ એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી તે માતાપિતાની આજ્ઞા લેવા માટે ઘેર આવતા હતા. રસ્તામાં ઘણા રાજકુમારો હથિયારોનો અભ્યાસ કરતા હતા, ત્યાંથી એક લોઢાનો ગાળો જંબૂકુમાર પાસે આવીને પડ્યો. જંબૂકુમારે વિચાર્યું કે “જો મને આ ગોળો લાગ્યો હોત તો હું મનવાંછિત કેવી રીતે કરી શકત?” એ પ્રમાણે વિચારી પાછા વળી ગુરુ પાસે આવી તેણે લઘુ દીક્ષા (શ્રાવકના વ્રત) ગ્રહણ કરી; પછી ઘેર આવ્યા, અને માતા પિતાના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હું દીક્ષા લંઈશ. આ સંસાર અનિત્ય છે, આ બાહ્ય કુટુંબપરવારથી શો લાભ છે? હું તો અંતરંગ કુટુંબમાં અનુરક્ત થયેલો છું તેથી હું ઉદાસીનપણારૂપી ઘરની અંદર વાસ કરીશ અને વિરતિરૂપી માતાની સેવા કરીશ, યોગાભ્યાસરૂપી પિતા, સમતારૂપી થાવમાતા, નીરાગતારૂપી પ્રિય બહેન, વિનયરૂપી અનુયાયી બંધુ, વિવેકરૂપી પુત્ર, સુમતિરૂપી પ્રાણપ્રિયા, જ્ઞાનરૂપી અમૃતભોજન અને સમ્યક્ત્વરૂપી અક્ષય ભંડાર– આ કુટુંબમાં મારો પ્રેમ છે. તપરૂપી અશ્વ ઉપર સવારી કરી, ભાવનારૂપી કવચને ઘારણ કરી, અભયદાન આદિ ઉમરાવો સહિત સંતોષરૂપી સેનાપતિને અગ્રેસર કરી, સંયમના નાના પ્રકારના ગુણરૂપી સેનાને સજ્જ કરી, ક્ષપશ્રેણિરૂપી ગજઘટાથી પરિવૃત્ત થઈ, ગુરુની આજ્ઞારૂપી શિરસ્ત્રાણ ઘારણ કરી, ધર્મધ્યાનરૂપી ખગવડે મહા દુઃખ દેનારી એવી અંતરંગ મોહરાજાની સેનાને હણીશ.'
આ પ્રમાણે પુત્રનાં વચન સાંભળીને માતાપિતા બોલ્યા કે “હે પુત્ર! એક વાર આઠ કન્યાઓને પરણી અમારો મનોરથ પૂર્ણ કરી પછી વ્રત ગ્રહણ કર.” એ પ્રમાણે પિતાનાં વચનથી તેણે આઠે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું; પરંતુ તે મનથી તદ્દન નિર્વિકારી હતો. એક એક કન્યા નવ નવ ક્રોડ સોનામહોર કરિયાવરમાં લાવી હતી, આઠ ક્રોડ સોનામહોર આઠ કન્યાના મોસાળ પક્ષ તરફથી