________________
વર
ઉપદેશમાળા
કેમકે તેઓએ આખું નગર દૂષિત કર્યું છે. જો તેઓ વધારે વખત રહેશે તો આચારશુદ્ધિ બિલકુલ રહેશે નહીં. રાજાએ તરત જ તેઓને નગરમાંથી કાઢી મૂક્યા.
હવે ચિત્ર-સંભૂતિએ મનમાં વિચાર કર્યો કે દુષ્કુલના દોષથી દૂષિત થયેલી આપણી કલાથી શો લાભ છે? એ પ્રમાણે વિચાર કરી કોઈ પર્વત ઉપરથી ઝંપાપાત કરવા તેઓ ચાલ્યા; અને કોઈ પર્વત ઉપર ચઢી બન્ને હાથે તાલી દઈ તેઓ જેવા પડવાને તત્પર થયા, તેવા જ નજીકની ગુફામાં તપ કરતા કોઈ સાધુએ તેમને જોયા. એટલે તે સાધુ બોલ્યા કે અરે ! તમે પડશો નહીં. એ પ્રમાણે તેઓએ સાધુનું વાક્ય ત્રણ વાર સાંભળીને પડવામાં વિલંબ કર્યો અને આજુબાજુ જોવા લાગ્યા કે આપણને પડતાં કોણ વારે છે? તેટલામાં ગુફાની અંદર તપ કરતા કોઈ મુનિને જોઈને તેઓ ત્યાં ગયા. મુનિએ પૂછ્યું કે ‘તમારે દુઃખનું શું કારણ છે?” તેઓએ સર્વ બીના નિવેદન કરી. એટલે સાધુ બોલ્યા કે ‘કુળથી શી સિદ્ધિ છે ? અને આવી રીતે અજ્ઞાનપણે મરવાથી પણ શો લાભ છે? માટે તમે જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ આચરો કે જેથી આ લોકમાં તેમજ પરલોકમાં તમારા કાર્યની સિદ્ધિ થાય.’ આવા સાધુના વચનોથી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયો, એટલે તરત જ તેમણે દીક્ષા ગ્રહણ કરી અને નિરતિચારપણે અતિ દુષ્કર તપ કરવા લાગ્યા.
અન્યદા એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે બન્ને મુનિ હસ્તિનાપુરના ઉદ્યાનમાં આવ્યા. બન્ને મુનિ માસક્ષમણ કરતા હતા તેથી માસક્ષમણને પારણે સંભૂતિ મુનિ આહાર લેવા નિમિત્તે નગરમાં ગયા. ત્યાં ભિક્ષા અર્થે નાના મોટા કુળમાં ફરતા તે મુનિને નમુચિ પ્રધાને જોયા. ‘અરે! આ તો સંભૂતિ નામનો ચાંડાલપુત્ર જણાય છે. તે અહીં ક્યાંથી આવ્યો ? માટે તે મારું ચરિત્ર રખેને રાજાને કહી દેશે.' એમ વિચારી નોકર પાસે ગરદન પકડાવી તિરસ્કાર કરીને તેને નગરની બહાર કાઢી મૂક્યો. સંભૂતિ મુનિએ વિચાર્યું કે અરે ! આ દુષ્ટ નમુચિએ શું કર્યું? અમે તેને મરણથી બચાવ્યો છે છતાં પણ તેને લાજ ન આવી, તો હવે હું તેને બાળી નાખું. પછી તે મુનિ દીપાયમાન થયેલા ક્રોધરૂપી અગ્નિવડે તેના પર તેજોલેશ્યા મૂકવા ઉદ્યુક્ત થયા. મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. તેથી આખું નગર આચ્છાદિત થઈ ગયું. તે જોઈ શોકથી આકુલ થયેલા લોકો ‘આ શું થયું!' એમ બોલતાં ત્યાં એકઠા થઈ ગયા. સનત્કુમાર ચક્રીએ પણ તે હકીકત સાંભળી. એટલે ભયથી આકુળવ્યાકુળ થઈ તે પણ ત્યાં આવી સંભૂતિ મુનિના ચરણમાં પડ્યા અને બોલ્યા કે “હે પ્રભુ! અપરાધ ક્ષમા કરો અને કૃપા કરીને લોકના સંહારથી પાછા ઓસરો. મારા પર એટલો અનુગ્રહ કરો. તમે કૃપાસિંધુ છો, નતવત્સલ છો, ક્ષમાશીલ છો, હું દીન છું અને બન્ને હાથ જોડી અરજ કરું છું. તેથી કૃપા કરીને ક્રોધ તજી દો.’’