________________
(૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા
૫૭
પૂર્વભવમાં કોઈ એક ગામમાં ભદ્રિક પરિણામી ચાર ગોવાળીઆ હતા. એક દિવસ તે ચારે ગોવાળીઆઓ ગ્રીષ્મ ઋતુમાં ગાયો ચારવા માટે વનમાં ગયા. મધ્યાહ્ન સમયે તે ચારે જણા એકઠાં થઈને વાતો કરવા બેઠા; એવામાં માર્ગથી ભૂલા પડેલા, જેને તે વનમાં માર્ગ જડતો નથી, જેનું ગળું અતિ તીવ્ર તૃષાથી રૂંધાઈ ગયું છે અને જેનું તાળવું સુકાઈ ગયું છે એવા કોઈ એક સાધુને વૃક્ષની છાયામાં બેઠેલા તેઓએ જોયા. એટલે તેઓએ વિચાર્યું કે ‘આ કોણ હશે?” પછી તે ચારે જણા મુનિની સમીપે આવ્યા. ત્યાં તુષાતુર થવાથી અતિ પીડા પામતા અને જેના પ્રાણ કંઠગત થયેલા છે એવા તે મુનિને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘અરે! આ મુનિ જંગમતીર્થ જેવા જણાય છે, પણ તે પાણી વિના મૃત્યુ પામશે; તેથી જો કોઈ જગ્યાએથી પાણી લાવીને તેમને આપીએ તો મોટું પુણ્ય થાય.' આમ વિચારીને પાણી માટે તેઓએ આખા વનમાં શોધ કરી, પણ મળ્યું નહીં. ત્યારે તેઓ એકઠા થઈ ગાય દોહી દૂધ લઈને સાધુ સમીપે આવ્યા. સાધુના મુખમાં દૂધનાં ટીપાં મૂકીને તેમને સાવધાન કર્યા. સાધુ સચતેન થયા એટલે મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘આ લોકોએ મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે; કેમકે તેઓએ મને જીવિતદાન આપ્યું છે.' પછી તે સાધુએ તેઓને સરલ સ્વભાવવાળા જોઈને દેશના આપી. તે દેશના સાંભળીને તે ચારે વૈરાગ્યને પ્રાપ્ત થયા, અને તરત જ ચારે જણાએ દીક્ષા લીધી અને સમ્યક્ત્વ મેળવ્યું. તે સાધુએ તેઓને સાથે લઈને અન્યત્ર વિહાર કર્યો.
હવે તે ચારે જણા ચારિત્ર પાળે છે, પણ તેમાં બે જણા ચારિત્રની દુર્ગંછા કરે છે કે ‘આ સાધુનો વેષ તો સારો છે, પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવાં ઇત્યાદિ મહા કષ્ટ છે.' એ પ્રમાણે વિચારણા કરવાથી તે બે મુનિએ ચારિત્રની વિરાધના કરી, અને બે જણાએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. તે બન્ને જણ તે જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.
હવે જે બે મુનિઓએ ચારિત્રની વિરાધના કરી હતી તેઓ અંત સમયે તે પાપનો આળોવ્યા વગર મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તેઓ લાંબા વખત સુધી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને સાધુવેષની નિંદા કરવાથી દશાર્ણ દેશમાં કોઈ એક બ્રાહ્મણના ઘરમાં કામ કરનારી દાસીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા અને ઘરનું કામકાજ કરવા લાગ્યા.
એક દિવસે વર્ષાઋતુમાં ક્ષેત્રની રક્ષા કરવા માટે તે બન્ને ભાઈઓ ગયા. મધ્યાહ્ન સમયે તે બેમાંથી એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાડ નીચે શીતલ છાયામાં સૂતો હતો. તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્પ નીકળ્યો, અને તે સુતેલાને પગે ડસ્યો. તે વખતે દૈવયોગથી બીજો ભાઈ પણ ત્યાં આવી ગયો. તેણે