________________
પર
ઉપદેશમાળા
સાધુનો વેષ તેને અર્પણ કર્યો. બાહુબલીએ સ્વયમેવ ચારિત્ર ગ્રહણ કર્યું.
પછી જેણે સાધુનો વેષ ગ્રહણ કરેલો છે એવા પોતાના ભાઈને જોઈને ભરત પોતે આચરેલા કર્મથી લજા પામ્યો એટલે બન્ને નેત્રમાંથી અશ્રુ વર્ષાવતો વારંવાર તેના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “તને ઘન્ય છે! મારો અપરાશ ક્ષમા કર અને આ રાજ્યલક્ષ્મી ગ્રહણ કરવાની કૃપા કર.” બાહુબલી મુનિએ કહ્યું કે “આ રાજ્યલીલા-વિલાસ અનિત્ય છે, યૌવન અનિત્ય છે અને શરીર પણ અનિત્ય છે, તેમજ આ વિષયો પરિણામે દુઃખ આપનારા છે.' ઇત્યાદિ ઉપદેશ આપીને ભરતને વૈરાગ્યવાન કરીને બાહુબલી મુનિ તે જ સ્થાને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. તેમણે ભગવાન પાસે જવા વિચાર કર્યો ત્યાં વચ્ચે માન આવ્યું કે હું છાસ્થ હોવાથી દીક્ષાએ વડેરા એવા લઘુ બંધુઓને વંદન કરવા પડશે. માટે કેવળજ્ઞાન લઈને જ જઉ તો વંદન કરવા નહીં પડે.” એ પ્રમાણે માનથી ઉન્નત ગ્રીવાવાળા થઈ કાયોત્સર્ગ ઘારણ કરીને ત્યાં જ ઊભા રહ્યા.
ભરતચક્રી તેમને વાંદી તેમના પુત્ર સોમયશાને રાજ્ય આપીને સ્વસ્થાને ગયા. બાહુબલીએ પણ એક વર્ષ પર્યત શીત, વાત, આતપ આદિ પરીષહોને સહન કરતાં દાવાનલથી દાઝેલા ઝાડના પૂંઠા જેવું પોતાનું શરીર કરી નાખ્યું. તેનું શરીર વેલાઓથી વીંટાઈ ગયું, તેના પગમાં દર્ભની શળો ઊગી નીકળી. તેની આસપાસ રાકડાઓ થઈ ગયા. તેની દાઢી વગેરેના કેશોમાં પક્ષીઓએ માળા નાંખીને પ્રસવ
કર્યો.
વર્ષને અંતે ભગવાન ઋષભદેવે બાહુબલીને પ્રતિબોઘ કરવા માટે બ્રાહી અને સંદરી નામની તેની બે બહેનોને મોકલી. ભગવાને તેમને કહ્યું કે તમારે ત્યાં જઈને એ પ્રમાણે કહેવું કે બં! હાથી ઉપરથી હેઠા ઊતરો.” તે બહેનો બાહુબલી સમીપે જઈ તેને વાંદી એ પ્રમાણે બોલી. એવા પોતાની બહેનોનાં વચન સાંભળીને તે મનમાં વિચાર કરવા લાગ્યા કે “મેં સર્વ સંગનો ત્યાગ કર્યો છે તો મારે હાથી ક્યાંથી? મારી બહેનો આ શું કહે છે? અરે! મેં જાણ્યું. હું માનરૂપી હાથી ઉપર ચડ્યો છું, તેથી તેમનું કહેવું સત્ય છે. અરે!દુષ્ટ ચિત્તને ઘારણ કરનાર એવા મને વિક્કર છે!મારા તે નાના ભાઈઓ મારે વંદ્ય છે. તેથી તેમને વાંદવા હું જાઉં.” એ પ્રમાણે નિશ્ચય કરીને ચરણ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભગવાન પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને કેવળીઓની સભામાં બેઠા. માટે “મદથી થર્મ થતો નથી એ યોગ્ય કહ્યું છે. મુમુક્ષુએ ઘર્મકાર્યમાં વિનય જ કરવો, પણ માન રાખવું નહીં ” આ કથાનો એ ઉપદેશ છે.
निअगमइ विगप्पिय, चिंतिएण सच्छंदबुद्धिरइएण। कत्तो पारत्तहियं, कीरइ गुरु अणुवएसेण ॥२६॥