________________
ઉપદેશમાળા ગયેલી છે. ત્યારે તેણે કહ્યું કે તમારી સ્ત્રીના મારથી આઝંદ કરતી એવી તેને કોઈક ઓરડામાં પૂરતાં આજથી ચોથા દિવસ ઉપર મેં જોયેલી છે, તેથી તમારા ઘરમાં તપાસ કરો. શેઠે ઘરમાં તપાસ કરી તો જેના પગ બેડીથી બંધાયેલા છે, જેના કેશ મૂંડી નાખેલા છે અને જે ઘણી સુઘાતુર થયેલી છે એવી વસુમતીને તેણે અંદરના
ઓરડામાં દીઠી. શેઠે દુઃખિત ચિત્તે વિચાર કર્યો કે “અહો! સ્ત્રીનું દુશ્ચરિત કોઈ પણ જાણી શકતું નથી. કામથી અંધ બનેલી મારી સ્ત્રીને ધિક્કાર છે!
પછી શેઠે વસુમતીને કહ્યું કે “આ તારી શી દશા!” તેણે જવાબ આપ્યો કે સઘળો દોષ મારાં કર્મનો છે.” શેઠે તેને અંદરથી બહાર કાઢી ઘરના ઉંબરા પાસે બેસાડીને કહ્યું કે “અહીં બેસ એટલે હું બેડી તોડવા માટે કોઈ લુહારને બોલાવી લાવું.” તેણે કહ્યું કે મને ભૂખ બહુ લાગી છે તેથી કાંઈક ખાવાનું આપો.” તે વખતે ઘોડાને માટે અડદ બાફેલા હતા તે સૂપડાના એક ખૂણામાં નાંખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉંબરાની બહાર અને બીજો પગ ઉંબરાની અંદર રાખીને બેઠી. પછી જેવી તે ખોળામાં રહેલા સૂપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે શું બન્યું તે સાંભળો
છદ્મસ્થપણે વિચરતા શ્રી મહાવીર સ્વામીએ પોતાના કર્મના ક્ષયને માટે એવો અભિગ્રહ કરેલો કે “રાજકન્યા હોય, માથું મૂંડાવેલું હોય, બન્ને પગમાં બેડી નાંખેલી હોય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હોય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, રડતી હોય, એક પગ ઉંબરાની બહાર ને બીજો પગ ઉંબરાની અંદર રાખીને બેઠેલી હોય અને બે પહોર વીત્યા પછી સૂપડાના ખૂણામાં રહેલા અડદ જો મને વહોરાવે તો મારે વહોરવા.” એવો અભિગ્રહ કર્યાને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે વીરભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે અવસરે કૌશાંબી નગરીએ પધાર્યા. તેઓ દરેક ઘરે પર્યટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી.
અનુક્રમે ભગવાન ઘનાવહ શેઠને ઘરે આવ્યા. તેમને જોઈ વસુમતી વિચારવા લાગી કે “મને ઘન્ય છે કે આવી સ્થિતિમાં મારે ભગવાનના દર્શન થયા.” પછી વસુમતીએ કહ્યું કે “હે ત્રિલોકના સ્વામી! માષભિક્ષાને માટે હાથ લાંબો કરીને મારો આ ભવદુઃખમાંથી ઉદ્ધાર કરો અને મને તારો.” એવાં વસુમતીનાં વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે “મારો અભિગ્રહ તો પૂરો થયો છે પરંતુ આ રડતી નથી એટલું અધૂરું છે તેથી હું વહોરીશ નહીં.” એવું ઘારી ભગવાન પાછા વળ્યા. ત્યારે વસુમતી નેત્રોમાંથી અશ્રુ સારતી વિચારવા લાગી કે “મંદભાગિણી એવી મને ધિક્કાર છે! મારા ઘરે ભગવાન આવ્યા છતાં મારો ઉદ્ધાર કર્યા વિના પાછા ગયા.” ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલો જોઈ પાછા વળીને ભાષભિક્ષા ગ્રહણ કરી,