________________
૨૮
ઉપદેશમાળા
હવે સાધ્વીને વિનયનો ઉપદેશ આપે છે—
अणुगम्मइ भगवई, रायसु अज्जा सहस्सविंदेहि । तहवि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ॥१३॥ અર્થ—“ભગવતી રાજપુત્રી આર્યા ચંદનબાળા હજારોના વૃંદોએ પરિવરેલી છતાં તે અભિમાન કરતી નથી. કારણ કે તે નિશ્ચયે તેને (તેના કારણને) જાણે છે.”
ભાવાર્થ–દધિવાહન રાજાની પુત્રી સાધ્વી ચંદનબાળા હજારો લોકોના સમૂહવડે પરિવરેલી રહે છે, અર્થાત્ હજારો લોકો તેની સેવા માટે તેની પાછળ ભમે છે તથાપિ તે કિંચિત્ પણ ગર્વ અહંકાર કરતી નથી, એ આશ્ચર્ય છે. પણ તે બરાબર-ચોક્કસ જાણે છે કે આ માહાત્મ્ય મારું નથી પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોનું માહાત્મ્ય છે તેથી તે ગર્વ કરતી નથી. તે પ્રમાણે અન્ય સાધ્વીઓએ પણ લોકના માનનીયપણા વગેરેથી ગર્વ કરવો નહીં. ઇત્યુપદેશઃ
વિનયનું સ્વરૂપ–પુરુષની પ્રધાનતા–
दिणदिक्खियस्स दमगस्स, अभिमुहा अञ्जचंदणा अजा । नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअजाणं ||१४|| અર્થ—“એક દિવસના દીક્ષિત ભિક્ષુક સાધુની સન્મુખ આર્યા ચંદનબાળા સાધ્વી ઊઠ્યા અને આસન ગ્રહણ કરવાને ઇછ્યું નહીં. આવો વિનય સર્વ સાધ્વીઓને માટે કહ્યો છે.’
ભાવાર્થ—તે જ દિવસના દીક્ષિત અને તે પણ ભિક્ષુક છતાં સાધુનો વેષ ગ્રહણ કરીને પોતાની સમીપ આવતાં જોઈ સર્વ સાધ્વીઓમાં મુખ્ય વડેરા એવા ચંદનબાળા સાધ્વી ઊભા થયા, સન્મુખ ગયા અને તે સાધુ ઊભા રહ્યા ત્યાં સુધી પોતે આસન ઉપર બેસવાની ઇચ્છા કરી નહીં. આવો વિનય તેમણે સાચવ્યો, તે પ્રમાણે દરેક સાધ્વીએ સાધુનો વિનય સાચવવો. ઇત્યુપદેશઃ
ચંદનબાળાની કથા
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા લોકોથી ભરપૂર કૌશાંબી નામની નગરી છે. એક વખત બહુ સાધ્વીઓથી પરિવરેલી, શ્રાવકોથી પૂજાતી ને રાજા સામંત શેઠીઆઓ અને નગરવાસીઓએ વાંધેલી એવી વર્ધમાન સ્વામીની પ્રથમ શિષ્યા આર્યા ‘ચંદનબાળા' કૌશાંબી નગરીના ચોકમાં ઘણા માણસો સાથે જતી હતી. તે વખતે કાકંદીપુરથી કોઈ એક દરિદ્રી આવ્યો હતો. તે અતિ દુર્બળ અને મલિન શરીરવાળો હતો. તેના મુખ ઉપર અસંખ્ય માખીઓ બણબણાટ કરતી હતી; અને તે ફૂટેલું માટીનું વાસણ હાથમાં લઈને ઘેરઘેર ભિક્ષા અર્થે ભટકતો હતો. તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી ચંદનબાળાને જોઈ, તેથી તે વિસ્મિત થયો કે ‘આ