________________
૨૧૮
ઉપદેશમાળા
પિતાની આજ્ઞા લઈને વ્યાપારાર્થે દક્ષિણમથુરાએ ગયા. ત્યાં તેમને જયસિંહનામના એક વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. જયસિંહને અર્ણિકા નામે બહેન હતી. તે ઘણી. રૂપવતી હતી. એક દિવસ જયસિંહે પોતાની બહેન અર્ણિકાને કહ્યું કે આજ સરસ રસોઈ બનાવ, કારણ કે મારા બે મિત્ર કામદેવ અને દેવદત્ત આપણે ત્યાં ભોજન કરવાના છે. તેથી અર્ણિકાએ ઉત્તમ રસોઈ બનાવી. પછી ભોજન સમયે ત્રણે મિત્રો એક પાત્રમાં ભેળા જમવા બેઠા. અર્ણિકાએ ભોજન પીરસ્યું. પછી તે પાસે ઊભી રહીને પોતાના વસ્ત્રના છેડાથી તેમને વાયુ નાખવા લાગી. તે વખતે તેના હાથના કંકણનો રણકાર, તેનાં સ્તન, ઉદર, કટિપ્રદેશ તથા નેત્ર ને વદનનો વિલાસ જોઈને દેવદત્ત અત્યંત કામાતુર થયો. તેમજ ઘીના પાત્રની અંદર પ્રતિબિંબિત થયેલું તેનું રૂપ જોઈને તે અતિ કામરાગથી પરવશ બની ગયો. તેને ભોજન વિષરૂપ બની ગયું, તેથી તેણે કંઈ પણ ખાવું નહીં અને જલદી ઊઠી ગયો...
બીજે દિવસે તેણે પોતાનો અભિપ્રાય કામદેવની મારફત જયસિંહને જણાવ્યો. ત્યારે જયંસિંહે કહ્યું કે “હે મિત્ર!મારી આ બહેન મને અતિપ્રિય છે અને તમે તો પરદેશી છો, તેથી તેનો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે ? માટે જે કોઈ આ અર્ણિકાનું પાણિગ્રહણ કરીને મારા ઘરમાં જ રહેશે તેને હું મારી બહેન પરણાવવાનો છું તેમ છતાં જો દેવદત્ત એક પુત્રની ઉત્પત્તિ થતાં સુધી પણ અત્ર નિવાસ કરે તો હું અર્ણિકાને તેની સાથે પરણાવું.” દેવદત્તે એ સઘળું કબૂલ કર્યું અને અર્ણિકાને પરણ્યો. પછી તેની સાથે મનવાંછિત વિષયસુખ ભોગવતા તેણે ત્યાં ઘણો કાળ વ્યતીત કર્યો. તેવામાં અર્ણિકા ગર્ભવતી થઈ.
અન્યદા ઉત્તરમથુરાથી દેવદત્તના પિતાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે હે પુત્ર! તને દેશાંતર ગયાને ઘણો કાળ થયો છે; તેથી હવે તારે અહીં સત્વર આવવું, વિલંબ કરવો નહીં.’ એ પ્રમાણે પિતાનો પત્ર વારંવાર વાંચીને, મુખથી બોલી ન શકાય એવા પિતા પરના પ્રેમભાવને પ્રાપ્ત થયેલો દેવદત્ત મનમાં વિચાર કરવા લાગ્યો કે “મને ધિક્કાર હો કે હું વિષયાભિલાષને લીધે વચનથી બંઘાઈ ગયો અને વૃદ્ધાવસ્થાવાળાં માતા-પિતાને તજીને અહીં રહ્યો.' એ પ્રમાણે ખેદ કરતા પોતાના પતિને જોઈને અર્ણિકાએ પતિ પાસેથી પત્ર લઈ લીઘો અને તે વાંચીને તેણે અંદરની બીના જાણી. પછી સસરાને મળવા ઉત્કંઠિત થયેલી અર્ણિકાએ ઘણા આગ્રહપૂર્વક ભાઈની આજ્ઞા મેળવી અને પોતાના ભર્તાર સાથે સાસરે જવા ચાલી. માર્ગમાં તેને પુત્રનો જન્મ થયો. દેવદતે કહ્યું કે “આ પુત્રનું નામ અર્ણિક (અર્ણિકાનો પુત્ર) પાડવું. પછી માતા-પિતા તેનું જે નામ પાડે તે પ્રમાણ (માન્ય) કરીશું.” અનુક્રમે તેઓ ઘેર આવ્યા અને માતાપિતાના ચરણમાં પડ્યા. પિતાને ઘણો આનંદ થયો. તેણે પૂછ્યું કે “હે વત્સ! આટલા વખત સુધી ત્યાં રહીને તેં શું મેળવ્યું ત્યારે દેવદત્ત અર્ણિકાથી જન્મેલો પોતાનો પુત્ર પિતાના ખોળામાં મૂક્યો