________________
(૧) રણસિંહું કથા
૧૩
મળશે ? અધન્ય એવો હું લોકોને મુખ શી રીતે બતાવી શકીશ? મને ધિક્કાર છે! જે હૃદયને વિષે એવો માઠો વિચાર આવ્યો તે મારું હૃદય ફૂટી કેમ ન ગયું ? અને તે મારી જીભ શતખંડ કેમ ન થઈ, કે જેણે તેને વનમાં મૂકી આવવાની આજ્ઞા આપી ? આ પ્રમાણેનું અકાર્ય કરતાં મારા માથા ઉપર બ્રહ્માંડ કેમ ન તૂટી પડ્યું? અરે ! વગર વિચાર્યે કરેલું કાર્ય મહા અનર્થ માટે જ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે ‘કોઈ પણ કાર્ય સહસા કરવું નહીં. કારણ કે સહસા કાર્ય કરનારા અવિવેકી પરમ આપદાનું સ્થાન થાય છે, અને વિચારીને કામ કરવાવાળા ગુણલુબ્ધ પ્રાણીઓ સ્વયમેવ સંપદાને પામે છે.' પણ હવે આ પ્રમાણે શોચ કરવાથી શું? વિચારવાની જરૂર એ છે કે આ કાર્ય કોનાથી થયું?’' એ પ્રમાણે વિચાર કરતા તેણે ગંધમૂષિકા જતી રહ્યાના ખબર સાંભળ્યા, એટલે ‘ખરેખર આ કાર્ય તેણે જ કરેલું છે' એમ નિઃશ્વાસ પૂર્વક વિચારવા લાગ્યો.
હવે ગંધમૂષિકાએ સોમાપુરી જઈને રત્નવતી પાસે કુમારની તથા કમલવતીની બધી હકીકત કહી બતાવી. રત્નવતી હર્ષિત થઈ. પછી તેણે પોતાના પિતા પુરુષોત્તમ રાજાને કહ્યું કે ‘હે સ્વામિન્ ! રણસિંહકુમારને તેડાવો.' એટલે પુરુષોત્તમ રાજાએ પણ કુમાંરને બોલાવવા કનકશેખર રાજાની પાસે પોતાના સેવકો મોકલ્યા. તેઓએ ત્યાં જઈને કહ્યું કે ‘હૈ સ્વામિન્! રણસિંહકુમાર રત્નવતીનું પાણિગ્રહણ કર્યા વિના રસ્તેથી જ પાછા વળ્યા એ ઘણું અનુચિત કર્યું છે, તેણે અમને લજ્જિત કર્યાં છે; પરંતુ રત્નવતી તો તેમના વિષે એકચિત્તવાળી જ રહી છે. તેથી હવે તેના પાણિગ્રહણ અર્થે કુમારને મોકલો.' કનકશેખરે કુમારને બોલાવી આજ્ઞા કરી કે ‘રત્નવતીને પરણવા જાઓ.' કમલવતીના વિરહથી જોકે તેનું મન વ્યગ્ર હતું, છતાં પિતાના આગ્રહથી તેણે કબૂલ કર્યું. શુભ દિવસે સૈન્યસહિત ચાલ્યા. શુભ શુકન જોઈ પ્રયાણ કરતાં પાડલીપુર સમીપે આવ્યા. એટલે પ્રિયાની શોધ માટે ફરતાં ફરતાં ચક્રઘર ગામની સમીપના ઉદ્યાનમાં આવી, ત્યાં તંબૂ નાંખી પડાવ કર્યો. કુમાર ચક્રઘરદેવની પૂજા કરવા ચાલ્યો. તે વખતે તેની જમણી ચક્ષુ ફરકી, તેથી તે વિચારવા લાગ્યો કે ‘આજ કોઈ ઇષ્ટનો સંયોગ થશે, પરંતુ કમલવતી વિના મને બીજું કંઈ ઇષ્ટ નથી; તેથી જો તે મળી આવે, તો ખરો ઇષ્ટ લાભ પ્રાપ્ત થયો માનું.’
એ પ્રમાણે તે વિચારે છે, તેવામાં પુષ્પબટુક રૂપથારી કમલવતીએ પુષ્પ લાવીને કુમારના હસ્તમાં મૂક્યાં. કુમારે તેને યોગ્ય મૂલ્ય આપ્યું. પછી પુષ્પબટુકે વિચાર્યું કે ‘આ રણસિંહ કુમાર રત્નવતીના પાણિગ્રહણાર્થે જતા જણાય છે.' કમલવતી કુમારને જોઈ અતિ હર્ષિત થઈ. કુમાર પણ પુષ્પબટુકરૂપ ઘરનારી કમલવતીને વારંવાર જોતો સતો વિચાર કરવા લાગ્યો કે ‘આ મારી પ્રાણવલ્લભા કમલવતી જેવો દેખાય છે. આને જોઈને મારું મન અતિ પ્રફુલ્લિત થાય છે.' એ