________________
૧૩૦
ઉપદેશમાળા
ત્યાં વહોરવા માટે પધાર્યા. તેમને જોઈ સંગમને અતિ હર્ષ થવાથી તેણે બહુ ભાવપૂર્વક બધી ક્ષીર તે મુનિને વહોરાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યો કે ‘આજે સાઘુ રૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હું અતિ ધન્ય છું!' એ પ્રમાણે પોતાના કાર્યની પ્રશંસા કરવા લાગ્યો. આ પ્રમાણે અનુમોદના સહિત દાન ઘણું ફળ આપનારું થાય છે. કહ્યું છે કે–
आनंदाश्रूणि रोमाञ्चो बहुमानं प्रियं वचः । किञ्चानुमोदना पात्र - दानभूषणपंचकम् ॥ “આનંદથી નેત્રમાં આંસુ આવવાં, રોમરાય વિકસ્વર થવા, બહુમાન સહિત વહોરાવવું, પ્રિય વચન બોલતાં આપવું અને તેની અનુમોદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.”
અહીં સંગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે— व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनंतगुणं भवेत् ॥
વ્યાજની અંદર ઘન બમણું થાય છે, ‘વ્યવસાય(વ્યાપાર)થી ચારગણું થાય છે; ક્ષેત્રમાં વાવવાથી સોગણું થાય છે, અને પાત્રમાં આપવાથી તે અનંતગણું થાય છે.’’ વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે. કારણ કે—
दाणं दरिद्दस्स पहुस्स खंति, इच्छानिरोहो य सुहोदयस्स । तारुण्णए इंदियनिग्गहो य, चत्तारि एयाइ सुदुक्कराई ॥ “દરિદ્રી છતાં દાન આપવું, સામર્થ્ય છતાં ક્ષમાં રાખવી, સુખનો ઉદય છતાં ઇચ્છાઓનો રોષ કરવો અને તરુણાવસ્થા છતાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો—આ ચાર વાનાં અતિ દુષ્કર છે.”
સાધુના ગયા પછી સંગમની મા આવી. તેણે થાળી ખાલી જોઈને બાકી રહેલી ક્ષીર પીરસી. પછી તે વિચાર કરવા લાગી કે “આટલી બધી ભૂખવાળો મારો પુત્ર દરરોજ ભૂખ્યો જ રહેતો જણાય છે, તેથી મારા જીવિતને ધિક્કાર છે!” એ પ્રમાણે સ્નેહદૃષ્ટિના દોષથી (પુત્રને નજર લાગવાથી) તે જ રાત્રે શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સંગમનો જીવ તે જ શહેરમાં ગોભદ્ર નામના શેઠને ઘેર તેની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે રાત્રે ભદ્રા માતાએ પરિપૂર્ણ પાકેલી શાલિ(ડાંગર)થી ભરપૂર ખેતર જોયું હતું તેથી પિતાએ તેનું નામ શાલિકુમાર પાડ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને બત્રીશ કન્યાઓ એક સાથે પરણાવી. ત્યારપછી ગોભદ્ર શેઠ ચારિત્ર ગ્રહણ કરી પ્રાંતે અનશન કરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા.
પછી અવધિજ્ઞાનથી પોતાના પુત્રને જોઈને અતિ સ્નેહાતુર બની ત્યાં આવી તેને દર્શન દીધું અને ભદ્રાને કહ્યું–‘શાલિભદ્રને સર્વ પ્રકારની ભોગસામગ્રી હું પૂરી