________________
૧૨૨
ઉપદેશમા દેશનો રાજા અપૂર્વ (નવા) સાઘુને લક્ષ મૂલ્યનું રત્નકંબલ આપે છે, માટે ત્યાં જઈ, રત્નકંબલ લાવી, આની સાથે વિષયસુખ ભોગવીને મનઇચ્છિત પૂર્ણ કર્યું. આ પ્રમાણે વિચારી વર્ષાકાલમાં મેઘની પુષ્કળ વૃષ્ટિ થતી હતી છતાં નેપાળ દેશ પ્રત્યે પ્રયાણ કર્યું. ઘણા જીવોનું ઉપમર્દન કરતો અને અનેક કષ્ટો સહન કરતો કેટલેક દિવસે તે નેપાળ દેશે પહોંચ્યો, અને આશીર્વાદ પૂર્વક રાજા પાસે રત્નકંબલ માગ્યું રાજાએ તે આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચોરોએ તે લૂંટી લીધું, તેથી તેણે ફરીવાર નેપાળ જઈ રાજાને અરજ કરી એટલે તેણે ફરીથી રત્નકંબલ આપ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં ચોરની પલ્લીના પોપટે ચોરોને તે જણાવવાથી તેઓએ તેને ઘેરી લીધો અને કહ્યું કે “એક લાખની કિંમતનું રત્નકંબલ તારી પાસે છે તે બતાવ.” તેણે કહ્યું કે “મારી પાસે કંઈ નથી.” ચોરોએ કહ્યું કે
અમારો આ પોપટ ખોટું બોલે નહીં, માટે સાચું બોલ. અમે લઈશું નહીં. એટલે તેણે સાચી વાત કહી દીધી. સત્ય કહેવાથી ભિક્ષુક જાણીને તેને જવા દીઘો. .
અનુક્રમે તે પાટલીપુત્ર આવ્યો અને રત્નકંબલ ઉપકોશાને આપ્યું. તેણે તેના વડે પોતાના પગ લૂછીને તેને દૂર અપવિત્ર સ્થાનમાં ફેંકી દીધું. ત્યારે સાધુએ કહ્યું કે “અરે નિર્ભાગિણી! આ તેં શું કર્યું? આ રત્નકંબલ અતિ દુર્લભ છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે “તારાથી વળી બીજો કોણ નિભંગીમાં શિરોમણી છે? મેં તો આ લક્ષ મૂલ્યનું જ રત્નકંબલ અપવિત્ર જગ્યામાં નાખ્યું છે, પણ તે તો અમૂલ્ય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય કે જે અનંત ભવમાં પણ પામવા દુર્લભ છે તે નટવીટ પુરુષને થુંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધા છે; માટે વગર વિચાર્યું કરનાર એવા તને ધિક્કાર છે! આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ કુળ દુર્લભ છે; તેમાં ઘર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધારૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાં પણ સાઘુઘર્મનું આચરણ તો અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિને દેનારા સાઘુત્વને તજી દઈ મારા અંગમાં મોહ પામી વર્ષાકાળે નેપાળ દેશમાં ગમન કરી બહુ જીવોનો ઘાત કરવાપૂર્વક ચારિત્રનો ત્યાગ કરવાથી દીર્ઘ કાળ પર્યત નરકાદિ દુર્ગતિની વેદનાને તું કેવી રીતે સહન કરીશ?” ઇત્યાદિ વાક્યો સાંભળીને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા કે “તને ઘન્ય છે! ભવકૂપમાં પડતાં મારો તેં ઉદ્ધાર કર્યો. હવે હું અકૃત્યથી નિવૃત્ત થયો છું.' ત્યારે વેશ્યાએ કહ્યું કે “તમારા જેવાને એમ જ ઘટે છે.'
પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા, ચરણમાં પડીને સ્થૂલિભદ્ર મુનિને ખમાવ્યા અને કહ્યું-“આપને ઘન્ય છે! આપનું કામ આપ જ જાણો. અમારા જેવા સત્ત્વહીન જાણી શકે નહીં.” પછી તેણે ગુરુને જણાવ્યું કે “હે સ્વામિન્ ! આપે ત્રણવાર “દુષ્કર કરનાર' એમ સ્થૂલિભદ્રને જે કહ્યું હતું તે સત્ય છે.” એ પ્રમાણે કહીં પાપની