________________
નિરુપાધિક, શાશ્વત, શુદ્ધ અને સંપૂર્ણ સુખ ઈષ્ટ છે. કારણ કે પોતે સ્વરૂપે શાશ્વત, શુદ્ધ (તત્ત્વરૂપ) અને સંપૂર્ણ છે. એ કારણે આજ પૂર્વે ઘણાં ઘણાં સુખો ભોગવ્યાં તો પણ તેને સંતોષ થયો નથી, તે તેને માફક આવ્યાં નથી. જીવને આ ઈષ્ટ છે તેને આધ્યાત્મિક સુખ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોની અપેક્ષા વિનાનું, સ્વાધીન અને સ્વ-સ્વભાવરૂપ હોવાથી ત્રણે જગતના સર્વ જીવોનાં પૌદ્ગલિક સુખોનો ત્રણે કાળનો સરવાળો પણ તેના એક અંશની બરાબરી કરી શકતો નથી. એ કારણે જ આજ સુધીની સુખ પ્રાપ્તિ તેને સંતોષી શકી નથી. આ છે જીવની વાસ્તવિક પરિસ્થિતિ !!
ધર્મશાસકોનો ઉપકાર-અનંત જ્ઞાનીઓએ પોતાના નિર્મળ-સંપૂર્ણ જ્ઞાનથી આ સત્યને જોયું છે, જાણ્યું છે અને જાહેર કર્યું છે. એટલું જ નહિ, આત્માના તે ઈષ્ટતમ સુખને મેળવવાના અને તેનાં બાધક ભાવોને દૂર કરવાના સફળ ઉપાયો પણ બતાવ્યા છે. એ છે તેઓનો અનન્ય ઉપકાર ! જીવ તે કારણે તેઓનો અત્યંત ઋણી છે. હીરાની પણ ઓળખ વિના તેને મેળવવાના ઉપાયો કે મળવા છતાં તેનાથી સુખનો અનુભવ કરી શકાતો નથી અને પત્થર તુલ્ય માની તેને ફેંકી દેવાનું બને છે. સુખ માટે પણ તેમ જ છે. સુખની ઓળખ વિના તેને મેળવવાનો પ્રયત્ન કે મળે તો પણ તેની કિંમત થઈ શકતી નથી. જીવ તેનું રક્ષણ કે આસ્વાદન કરી શકતો નથી. ઉલટું કોઈવાર વધારે દુઃખનું કારણ બનાવે છે. આ અંધાપામાંથી ઉગારનાર જ્ઞાનીઓનો ઉપકાર અમાપ છે, અનંત છે, કદાપિ બદલો ન વળી શકે તેવો છે. જગતમાં પણ ઔષધ કરતાં રોગ નિદાનનું મહત્ત્વ છે. વર્તમાનમાં તો મોટા ડૉક્ટર તરીકે ગણાતા કેટલાકો માત્ર રોગનિદાન જ કરે છે. ઔષધ તો બીજા જ આપે છે. છતાં નિદાન કરનારા મોટા ગણાય છે. તેમ સુખ સામગ્રી આપનારા માતા-પિતા, સ્વજનાદિ, વિદ્યાગુરુ કે ધર્મગુરુઓ, એ સર્વથી અધિક ઉપકાર દુઃખને તથા તેના ઔષધરૂપ ધર્મને ઓળખાવનારા શ્રી અરિહંત દેવોનો છે. ભલે આજે તે આપણી સામે ન હોય, પણ તેઓનો ઉપકાર અસીમ છે, પ્રત્યક્ષ છે. એમના વિના બીજો કોઈ આ ઉપકાર કરવાને સમર્થ નથી. ક્રોડો વંદન હો એ પરમતારક શ્રી અરિહંત દેવોને ! કે જેઓએ જગતને અનાદિ અજ્ઞાનરૂપી અંધકૃપમાંથી બહાર કાઢ્યું છે.
શાસ્ત્રોનો પરમ ઉપકાર-ઉપર જોયું કે સુખને અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયોને બતાવનારા શ્રી અરિહંત દેવો મહા ઉપકારી છે, તેમ એ ઉપદેશને