________________
૮૭
સૂત્ર સંવેદના-૬
૪. ભાવો ઞ - ભાવધર્મ કરો.
ભાવનો અર્થ છે મનનો શુભ પરિણામ અર્થાત્ કલ્યાણકારી વિચાર. કોઈપણ ક્રિયા કરતાં ભગવાનના વચનાનુસાર મનને પ્રવર્તાવવું એટલે કે, ભગવાને દર્શાવેલા ભાવોથી મનને વાસિત કરવું તે ભાવધર્મ છે.
દાન-શીલ-તપ અને ભાવ આ ચારે પ્રકારના ધર્મમાં ભાવધર્મનું અતિ મહત્ત્વ છે. કેમ કે, ભાવપૂર્વકના જ દાનાદિ ધર્મો ફળદાયી બને છે. શુભ ભાવ વિના કરેલા દાનાદિ ધર્મો ક્યારેય સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિને પ્રદાન કરી શકતા નથી.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ શુભભાવેચ્છુ શ્રાવકોને કહે છે, “તમે શાસ્ત્ર વચન અનુસારે હંમેશા અનિત્યાદિ બાર ભાવનાનું ભાવન કરો. તે દ્વારા સંસારના રાગને તોડી મનને વૈરાગ્યના ભાવથી ભરી દો. મૈત્રીભાવથી મનને એવું તરબોળ કરો કે આખું જગત તમોને મિત્ર લાગે, પ્રમોદ ભાવથી મનને એવું ભાવિત કરો કે અધિક ગુણવાનને જોઈ પ્રદ્વેષ, ઈર્ષ્યા કે અસૂયા જેવા અશુભ ભાવ તો ન જ થાય; પરંતુ તેમના ગુણોને જોઈ મન આનંદથી ઝૂમી ઊઠે. કરુણાભાવથી હૃદયને એવું ભીંજવી દો કે દુ:ખી આત્માને જોઈ હૃદય દ્રવી ઊઠે. માધ્યસ્થ્યથી ચિત્તને એવું વાસિત કરી દો કે સો વાર કહેવા છતાં ન સુધરી શકે તેવા શિષ્ય કે, પુત્રાદિ પ્રત્યે પણ ક્રોધ ન થાય પણ ઉદાસીનભાવ કે ઉપેક્ષાભાવથી હૈયું સ્વસ્થ રહે.”
,,
અહીં એ પણ ખાસ ખ્યાલમાં રાખવું કે પ્રભુની સુંદર પ્રતિમા કે સારી આંગી જોઈ થતો આનંદ કે ઢોલ નગારાં વખતે પ્રગટતો ઉલ્લાસ તે ભાવધર્મ નથી, પરંતુ તે તે અનુષ્ઠાન દ્વારા વીતરાગતા પ્રત્યે પ્રગટેલો આદર અને રાગાદિ પ્રત્યે પ્રગટતો અનાદર અથવા તે તે ક્રિયામાં પ્રભુઆજ્ઞા મુજબ વર્તવાનો ભાવ તે ભાવધર્મ છે. શ્રેષ્ઠ કોટિનો ભાવધર્મ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની દશામાં આવે છે.
દાન, શીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મ અનાદિ ભવભ્રમણના કારણભૂત ચાર સંજ્ઞાને તોડવાનું કાર્ય કરે છે. દાનધર્મ પરિગ્રહસંજ્ઞા ઉપર પ્રહાર કરે છે. શીલધર્મ મૈથુનસંજ્ઞાને નબળી પાડે છે. તપધર્મ આહા૨સંજ્ઞાને ખોખરી કરે છે. ભાવધર્મ ભયસંજ્ઞાથી છૂટકારો મેળવી આપે છે.
આ ચારેય ધર્મમાં મમત્વના ત્યાગની વાત સંકળાયેલી છે. તેથી મમત્વની અલ્પતા કે મમત્વના વિષયની દૂરવર્તીતાના આધારે પણ દાનાદિ ધર્મનો આવો વિશિષ્ટ ક્રમ ગોઠવાયેલો છે. ધન એ અપેક્ષાએ સાધકથી દૂરવર્તી વસ્તુ છે, તેથી