________________
૮૩
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
કોઈપણ કુદરતી હોનારતો આવી પડી હોય ત્યારે તમે, ઉચિત દાન આપવાની તક ચૂકી ન જશો. આવી પરિસ્થિતિમાં દાન કરવાથી અનેક જીવો જૈનશાસન તરફ આકર્ષાય છે, તેઓને પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટે છે, સુયોગ્ય જીવોને બોધિની પણ પ્રાપ્તિ થઈ જાય છે. આમ દાનધર્મ દ્વારા અનેકના આત્મહિતમાં નિમિત્ત બની, સ્વઆત્માનું કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય છે; માટે તમે દાન કરવામાં પ્રવૃત્ત રહો”
અહીં એટલું ધ્યાન રાખવું કે, સ્વપ્રશંસા માટે, માનની વૃદ્ધિ માટે કે મારું નામ આવશે વગેરે મલિનભાવોથી દાન ન કરવું પરંતુ માત્ર ધનની મૂર્છા દૂર કરી આત્મકલ્યાણ કરવાની ભાવનાથી જ દાન કરવું.
૨૨. સીત્યું - શીલ પાળો, બ્રહ્મચર્યનું પાલન કરો.
શીલ શબ્દનો અર્થ થાય છે સ્વભાવ અથવા સત્ આચરણ; છતાં વ્યવહારમાં શીલ શબ્દ શિયળ એટલે બ્રહ્મચર્ય અર્થમાં પ્રચલિત છે.
વિષય-કષાયના કલણમાં ખૂંપેલા આત્મા માટે સર્વથા બ્રહ્મચર્યનું પાલન ઘણું કપરું છે. આ કપરા કાર્યને સિદ્ધ કરવા માટે જ તીવ્ર રાગાદિભાવને આધીન થઈ સ્ત્રી, પુરુષના મિથુનથી કરાતી કુચેષ્ટાનો મન-વચન-કાયાથી સર્વથા ત્યાગ કરવો તે બ્રહ્મચર્યવ્રત છે. આવા પ્રકારના બ્રહ્મચર્યવ્રતનું સર્વથા પાલન જ શ્રેષ્ઠ છે તો પણ જે શ્રાવકો તેનું સર્વથા પાલન કરી શકતા નથી તેવા શ્રાવક-શ્રાવિકાઓ માટે સ્વદારાસંતોષ અને પરસ્ત્રીગમનવિરમણ વ્રત છે. શીલનું અણિશુદ્ધ પાલન કરનારની સેવામાં દેવતાઓ પણ હજરાહજૂર રહેતા હોય છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ મોક્ષાર્થી શ્રાવકોને કહે છે કે, “તમે જીવનમાં વ્યભિચારને સ્થાન ન આપો. શીલવ્રતનું પાલન કરો. આ વ્રતના અખંડિત પાલન માટે તમો તમારી પોતાની સ્ત્રીમાં સંતોષ માનો. પર્વતિથિ, કલ્યાણકના દિવસો, શાશ્વતી ઓળી વગેરેના દિવસોમાં તેનો પણ ત્યાગ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. આ વ્રતને અણિશુદ્ધ પાળવા વિજાતીય સાથે એકાંતમાં વાત ન કરો. આંખ સાથે આંખ મિલાવીને વાત ન કરો. કોઈની પણ સાથે વિકારો વધે તેવી વાત કે ચેષ્ટા ન કરો, તેવાં ચિત્રો ઉપર નજર ન માંડો, સ્વ-પર વિકારનું કારણ બને તેવી વેષભૂષા, નાટક સીનેમા, આહાર, અશ્લીલ પુસ્તકોનું વાંચન વગેરેનો ત્યાગ કરો. ટૂંકમાં બ્રહ્મચર્યની નવેય19 વાડનું પાલન કરો તો જ તમે આ
19. નવવાડની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિત્તુ સૂત્ર ચોથું વ્રત