________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૭૯
૮. કાયોત્સર્ગ :
મન, વચન, કાયાને શુભ વ્યાપારમાં સ્થાપન કરવાની ક્રિયાને કાયોત્સર્ગ14 કહેવાય છે. પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલી અશુદ્ધિ કે અશુભ સંસ્કારોનો નાશ આ કાયોત્સર્ગથી થાય છે. કાયોત્સર્ગના અભ્યાસથી જીવ ભૂતકાળના અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તને કારણે હૃદય સ્વસ્થ થાય છે. અને કાયોત્સર્ગ કરનાર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન બની સુખની પરંપરાને પ્રાપ્ત કરતો વિચરે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા ક્ષપકશ્રેણી માંડી ઘનઘાતી કર્મોનો નાશ પણ કરી શકે છે.14A
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ કર્મનાશને ઇચ્છતા શ્રાવકોને કહે છે. “તમે કાયોત્સર્ગ નામના આવશ્યક માટે પ્રતિદિન પ્રયત્ન કરો. તે માટે ચંચળ મનને સ્થિર કરી, તેને અરિહંતના ધ્યાનમાં લીન બનાવો. નિષ્પ્રયોજન વાણીના વ્યવહારથી અટકી મૌન રાખો. અસ્થિર કાયાને સ્થિર કરવા કોઈક ચોક્કસ આસન ધારણ કરો. આ માટે શાસ્ત્રમાં જણાવેલી કાયોત્સર્ગની વિધિ અનુસાર વિવિધ પ્રકારના કાયોત્સર્ગને વારંવાર કરો. તો જ દેહાધ્યાસ તૂટશે તથા મન, વચન ઉપર નિયંત્રણ આવશે. પરિણામે નવાં કર્મનો બંધ અટકશે, જૂના કર્મની નિર્જરા થશે અને બીજા પણ ઘણા લાભ થઈ શકશે.”
૯. પચ્ચક્ખાણ ઃ
આત્મકલ્યાણમાં વિઘ્નરૂપ બને તેવી ખાવા, પીવા આદિની નિરંતર પ્રવર્તતી ઇચ્છાઓને રોકવા કે નિયંત્રણમાં લાવવા જે સંકલ્પ કે પ્રતિજ્ઞા કરવામાં આવે છે તેને પચ્ચક્ખાણ15 કહેવાય છે. અનાદિ કાળથી આહાર સંજ્ઞાને આધીન થયેલા મનને નાથવાનું કાર્ય પચ્ચક્ખાણ કરે છે. માટે સાધકે આત્મહિતમાં બાધક સર્વ વસ્તુઓનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ.
તેથી જ સજ્ઝાયકાર મહર્ષિ આત્મહિતેચ્છુ સાધકને કહે છે કે, “હે શ્રાવકો ! તમે વિવિધ પ્રકારના પચ્ચક્ખાણો કરો. એક ક્ષણ પણ પચ્ચક્ખાણ વિના ન રહો. જ્યાં સુધી સર્વ પાપ પ્રવૃત્તિના પચ્ચક્ખાણ ન કરી શકો, ત્યાં સુધી ‘મુટ્ઠિસહિઅં’ જેવાં
14. કાયોત્સર્ગની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ ‘અન્નત્થ સૂત્ર' તથા સૂત્ર સંવેદના ભાગ-૩ ‘નાણમ્મિ સૂત્ર.’
14A. ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૧૨
15. પચ્ચક્ખાણની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિત્તુ સૂત્ર