________________
૭૮
સૂત્ર સંવેદના-૬
૭. પ્રતિક્રમણ :
‘પાપથી પાછા ફરવાની ક્રિયા’ અથવા ‘પાપથી મલિન થયેલા આત્માને શુદ્ધ કરવાની ક્રિયાને' “પ્રતિક્રમણ13” કહેવાય છે. પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં છિદ્રો ઉત્પન્ન કરે તેવા અતિચારોના સેવનથી અટકી જવાય છે. અતિચારોથી અટકવાને કા૨ણે આશ્રવનો નિરોધ થાય છે. આશ્રવ અટકવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. પરિણામે સાધક અષ્ટપ્રવચન માતા પ્રતિ ઉપયોગવાળો બને છે. સમિતિ-ગુપ્તિમાં ઉપયોગ રાખવાના પરિણામે ભવાંતરમાં પણ ચારિત્રનો વિયોગ થતો નથી. આમ પ્રતિક્રમણના ફળસ્વરૂપે સાધક સુંદર સંયમયોગ પાળવાના પ્રણિધાનવાળો બની સંયમમાર્ગમાં વિચરે છે.13A
મેલા વસ્ત્ર ઉપર જેમ રંગ ચઢતો નથી તેમ પાપથી મલિન બનેલા આત્મા ઉપર ધર્મનો રંગ ચઢતો નથી અને ધર્મના રંગથી રંગાયા વિના કર્મનાં પડલ ભેદાતા . નથી. તેથી સાધકે હંમેશા પ્રતિક્રમણાદિ દ્વારા આત્માની મલિનતાને દૂર કરવા મહેનત કરવી જોઈએ.
આથી જ કર્મક્ષયેચ્છુ શ્રાવકોને સૂત્રકાર મહર્ષિ કહે છે કે, “પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યક માટે તમે પ્રતિદિન યત્ન કરો. તે માટે જીવનમાં થતાં નાનામાં નાના પાપની નોંધ લો. તે પાપ પ્રત્યે તીવ્ર અણગમો પ્રગટાવો. દુ:ખદ હૈયે, પશ્ચાત્તાપપૂર્ણ ભાવે ‘મિચ્છામિ દુક્કડં' આદિ શબ્દનો પ્રયોગ કરી તે પાપનો જડમૂળથી નાશ કરવા યત્ન કરો. રાત્રિ અને દિવસ સંબંધી થયેલાં સર્વ પાપના નાશ માટે પૂર્વ પુરુષોએ સૂચવેલા દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણને પૂર્ણ સમજી તેને ભાવપૂર્વક કરો. જેથી સ્વપ્નમાં પણ પાપના સંસ્કારો જાગૃત ન થાય. કદાચ પાપના ઉદયથી સંસારમાં રહેવું પડે, પુન: પાપ કરવું પડે તોપણ તેવા કઠોર પરિણામથી તો ન જ થાય તેવું ચિત્ત નિષ્પન્ન કરો.”
અહીં એટલું ધ્યાન રાખવું કે સંમૂર્ચ્છિમ જીવની જેમ શૂન્યમનસ્કતા કે અન્યમનસ્કતાથી પ્રતિક્રમણની ક્રિયા કરવાથી કુસંસ્કારોનો નાશ થતો નથી. પરંતુ પ્રતિક્રમણ સૂત્રોના એક એક શબ્દોની ઊંડી આલોચના કરતાં કરતાં સ્વદોષનું દર્શન થાય અને તેમાંથી પાછા વળવાનું સત્વ પ્રગટે એવી રીતે જો પ્રતિક્રમણ કરવામાં આવે તો પાપ અને પાપ કરવાના સંસ્કારો નાશ પામી શકે છે.
13. પ્રતિક્રમણની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૪ ‘વંદિત્તુ સૂત્ર.’ 13A. ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૧૧