________________
“મનહ જિણાણું-સઝાય”
ઇન્દ્રિયોથી તે જાણી પણ શકાતું નથી, આ સુખને જાણવા કે માણવા કેવળજ્ઞાનાદિ વિશિષ્ટ જ્ઞાન જોઈએ, જે જિનેશ્વર પરમાત્મા પાસે હોય છે. તેથી સર્વજ્ઞ ભગવંત જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવાથી જ ચિરકાલીન સાચું સુખ મળી શકે તેમ છે. માટે તમે જો સાચા સુખને પામવા ઇચ્છતા હો તો સર્વ કાર્ય પ્રભુ આજ્ઞા અનુસાર જ કરવાનો આગ્રહ રાખો.
જિનાજ્ઞા શ્રાવકને અનેક બાબતોનું માર્ગદર્શન આપે છે. જેમકે, ક્યાં રહેવું ? કોની સાથે સંબંધ રાખવા ? કોની સાથે કેવો વ્યવહાર કરવો ? કેવો વ્યાપાર કરવો? કુટુંબનું પરિપાલન કેવી રીતે કરવું ? ઘર કેવું રાખવું ? આહાર લેવો લેવો? કેટલો લેવો ? ક્યારે લેવો ? વસ્ત્રાદિ કેવાં રાખવાં ? વગેરે સર્વ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રભુએ આપ્યું છે. માત્ર માર્ગદર્શન નહિ પ્રભુ સ્વયં પણ તે જ માર્ગે ચાલી સુખી થયા છે. તેથી હવે તમારે પણ સાચું સુખ માણવું હોય અને દુઃખની ગર્તામાં ન પડવું હોય તો તમે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનો. જિનાજ્ઞા એક ભોમિયાની જેમ તમારી સાથે રહી તમને છેક મોક્ષ સુધી પહોંચાડશે. શરત એટલી કે તમારો નિત્ય જીવન વ્યવહાર જિનાજ્ઞા પ્રમાણેનો હોવો જોઈએ.
જિનેશ્વરની આજ્ઞાનો વિચાર કરતાં એટલું ખાસ યાદ રાખવું કે, પ્રભુની આજ્ઞા અનેકાન્તસ્વરૂપ છે, તેમાં ક્યાંય એકાંત નથી. આમ છતાં કયા સંજોગોમાં શું કરવા યોગ્ય છે, તેની વાતો સર્વજ્ઞ પરમાત્માએ ચોક્કસ કરી છે. આ સર્વ વાતોને ગુરુગમથી જાણી, તેને અનુસાર પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખવો; પણ સ્વેચ્છાચારથી દૂર રહેવું.
પ્રભુની આજ્ઞા માનવી તો દુષ્કર છે પણ તે સમજવી પણ દુષ્કર છે, કેમ કે, શાસ્ત્ર ઘણાં છે અને બુદ્ધિ થોડી છે. વળી શાસ્ત્રમાં ક્યાંક ઉત્સર્ગની વાત કરી છે તો ક્યાંક અપવાદની વાત છે, ક્યાંક નિશ્ચયને પ્રાધાન્ય આપ્યું છે તો ક્યાંક વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે. આવા ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણવાળા શાસ્ત્રના તાત્પર્ય સુધી પહોંચવું કેવી રીતે ? અને તેના આધારે ચાલવું પણ કેવી રીતે ? શાસ્ત્રાભ્યાસના પ્રારંભકાળમાં આવા અનેક પ્રશ્નો ઉદ્ભવી શકે છે; પરંતુ ગીતાર્થની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવાથી આ દરેકના સુખદ ઉકેલો પણ મળી શકે છે.
કર્મના ઉદયથી માનો કે તેવા ગીતાર્થ સદ્ગુરુનો ભેટો ન થાય અને શાસ્ત્ર ભણવાની તક ન મળે તો પણ જો સાધકના હૈયામાં સદા એવો ભાવ રમતો હોય કે, “ક્યારે મને પ્રભુનો માર્ગ સમજાવે તેવા ગુરુભગવંતનો ભેટો થશે ? ક્યારે હું તેમની પાસે પ્રભુની આજ્ઞા સમજીશ?” તો તે ઉત્તમભાવના બળે સાધકમાં એવો ક્ષયોપશમ