________________
“મન્નત જિણાણું-સજ્જાય'
જીવનું વાસ્તવિક સ્વરૂપ આનંદમય છે. આવા સુખમય સ્વરૂપવાળો જીવ પણ વર્તમાનમાં દુ:ખી કેમ છે ? તેનાં દુઃખનાં કારણો ક્યા છે ? આ કારણોને દૂર કરવાનો ઉપાય શું છે ? તેનું સચોટ માર્ગદર્શન જિનવચન આપે છે. તેથી પરમ સુખ પામવાનો કે આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાનો એક માત્ર ઉપાય જિનાજ્ઞા છે.
ભૂતકાળમાં નિત્ય જિનાજ્ઞાપૂર્વક ચાલનારા અનંતા જીવો સુખી થયા છે અને તેની ઉપેક્ષા કરનારા અનંત દુ:ખી થયા છે. જિનાજ્ઞાની આવી ઉપકારિતાને વર્ણવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગસ્તોત્રમાં ધર્મનો સાર જણાવતાં કહ્યું છે કે; આજ્ઞાની આરાધનાથી શિવસુખની પ્રાપ્તિ થાય છે અને આજ્ઞાની વિરાધનાથી સંસારનાં અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. આથી જ વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાનુસાર એક નાનું પણ અનુષ્ઠાન કરવામાં આવે તો તે મહાન ફળદાયક નીવડે છે અને આજ્ઞાની વિરાધના કરી કરેલું મોટું અનુષ્ઠાન પણ ફળદાયક બનતું નથી.
આજ્ઞાની આરાધનાપૂર્વક નિત્ય નવકારશી કરનારા કુરગડુ મુનિ કેવળજ્ઞાન પામી શક્યા. આજ્ઞા પ્રત્યેના બહુમાનથી માત્ર એક દિવસનું ચારિત્ર પાળનાર પુંડરીક મુનિ સંસારનો ઉચ્છેદ કરી છેક મોક્ષ સુધી પહોંચી શક્યા. તો વળી, આજ્ઞાની ઉપેક્ષા કરી માસક્ષમણના પારણે માસક્ષમણ કરનારા કૂલવાલક મુનિ સંસારના ફેરા ફરતા રહ્યા.
તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, ચારિત્ર વગેરે સર્વે અનુષ્ઠાનો આજ્ઞાનુસાર કરવામાં આવે તો જ મોક્ષ આપવા સમર્થ બને છે, તેથી જ સાધકે પ્રત્યેક કાર્ય આજ્ઞાનુસાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ક્યાંય આજ્ઞાની ઉપેક્ષા ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
સર્વ અનુષ્ઠાન કરતાં કે જીવનની પ્રત્યેક પળ પર જિનાજ્ઞાનું નિયંત્રણ રહે, જિનાજ્ઞા જ મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓનું સંચાલન કરે તે માટે સાધનાનો પ્રારંભ કરતાં પહેલા ચિત્તમાં આજ્ઞાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે. તે માટે સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સતત પ્રયત્નપૂર્વક આજ્ઞાની હિતકારિતા, તેની કુશળતા, વ્યાપકતા
2
નાજ્ઞાઈડરદ્ધા વરદ્ધા ૨ શિવાય ર મવાય રે !
- વીતરાગસ્તોત્ર ૧૯-૪