________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ દીપકના પ્રકાશ વિના અંતરના ઊંડાણમાં પડેલી મિથ્યા માન્યતાઓ અને મિથ્યા ભ્રમણાઓ ઓળખાતી નથી. અને તેની ઓળખ વિના, ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વ નામનો આત્માનો દોષ નાબૂદ પણ થતો નથી. તેથી શ્રાવકો માટે ત્રીજું કર્તવ્ય દર્શાવ્યું ‘સમ્યગ્દર્શનને ધારણ કરો’.
૭૧
આ સમ્યગદર્શનરૂપ ગુણ પ્રાપ્ત કરવો પણ કઠિન છે અને પ્રાપ્ત થયા પછી ટકાવવો તો તેથીય કઠિન છે. અપ્રાપ્ત આ ગુણને પામવા અને પામેલાને વધુ નિર્મળ કરવા સામાયિકાદિ છ આવશ્યક કર્તવ્યો ક૨વાની શ્રાવકને સતત જરૂર છે. આથી ત્યારપછી સામાયિકાદિ ‘છ આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમશીલ રહો' તેમ જણાવ્યું છે.
સંયમની તીવ્ર અભિલાષા જેને છે. તે જ સાચા અર્થમાં શ્રાવક છે. સંયમની ભાવનાને વધુ જ્વલંત બનાવવા જ દેશમું કર્તવ્ય અષ્ટમી, ચતુર્દશી આદિ ‘પર્વ તિથિમાં પૌષધ કરો' તેમ વર્ણવ્યું છે.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાની કનડગત જીવને જન્મજાત હોય છે. આ ચારે સંજ્ઞાને નાથવા દાનાદિ ચાર ધર્મોનું પાલન કરવા જણાવ્યું છે. દાનધર્મથી પરિગ્રહ સંજ્ઞા ઉ૫૨, શીલધર્મથી મૈથુન સંજ્ઞા ઉપર, તપધર્મથી આહાર સંજ્ઞા ઉપર અને ભાવધર્મથી ભય સંજ્ઞા ઉપર જીત મેળવી શકાય છે.
સર્વ ધર્મનું આધારસ્થાન શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન પાંચ પ્રકારના સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે માટે પંદરમાં કૃત્ય તરીકે ‘સ્વાધ્યાય' નો નિર્દેશ કર્યો છે.
સ્વાધ્યાય માટેનું સર્વ શ્રેષ્ઠ સૂત્ર નવકારમંત્ર છે. ચૌદપૂર્વના મહાજ્ઞાની હોય કે, સામાન્ય જીવો હોય, સર્વ પણ અંતિમ સમયે મહાપ્રભાવક અને મંગળકારી એવા આ મંત્રનું સ્મરણ કરી સમાધિમરણને પામે છે. આથી ‘નવકાર મંત્રનો તમે વિધિવત્ જાપ કરો.’ તેમ કહી શ્રાવકને પોતાના સોળમાં કર્તવ્યનું સ્મરણ કરાવ્યું છે.
‘સ્વાર્થવૃત્તિ’ આત્માની બરબાદી કરે છે. તો પરાર્થવૃત્તિ આત્માની આબાદી કરે છે. મલિન એવી સ્વાર્થવૃત્તિથી મુક્ત થવા જ સજ્ઝાયકારે સત્તરમું કર્તવ્ય ‘પરોપકાર’ દર્શાવ્યું છે.
સાચો પરોપકાર પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવમાત્ર પોતાના સમાન લાગે. તેથી મારાથી એક પણ જીવને પીડા ન થાય તેની સાવધાનીપૂર્વક ‘આત્મવત્ સર્વભૂતેષુ' ની ભાવનાને જાગૃત રાખવા શ્રાવકે સર્વ કાર્ય કરતાં ‘જયણા’નો ભાવ સદા હૃદયમાં રાખવાનો છે. આ જ કારણથી શ્રાવકનું અઢારમું કર્તવ્ય ‘જયણા' જણાવ્યું છે.