________________
૨૦
સૂત્ર સંવેદના-૬
નિર્મળ ચારિત્ર મારે પણ પાળવું છે એવો ભાવ થાય છે અને અતિચાર સેવવાના સંસ્કારો મંદ પડી જાય છે. તે સાથે જ વિશુદ્ધ ચારિત્ર પ્રત્યે ઉત્પન્ન થયેલું બહુમાન ચારિત્રમોહનીયકર્મને નબળું પાડી ચારિત્રગુણને પ્રગટાવવામાં નિમિત્ત બને છે.
ચારિત્રાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કર્યા પછી જ્ઞાનાચાર અને દર્શનાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ ક૨વાનો છે. તેમાં સમ્યક્દર્શન પૂર્વકનું જ્ઞાન જ સમ્યગ્ જ્ઞાન કહેવાતું હોવાથી, જ્ઞાન કરતાં દર્શનને ગરિષ્ઠ માની દર્શનાચારની શુદ્ધિ માટે બીજો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
આ કાયોત્સર્ગ કરતાં પૂર્વે બોધિની પ્રાપ્તિ તથા વિશુદ્ધિના વિશેષ કારણ બનનારા ચોવીસ તીર્થંકરોની સ્તુતિરૂપે લોગસ્સ બોલાય છે. ત્યારપછી દર્શનશુદ્ધિના મુખ્ય નિમિત્તભૂત સર્વ જિનબિંબોના વંદનાદિ નિમિત્તે ‘સવ્વલોએ' આદિ બોલીને અરિહંત પરમાત્માના ગુણોથી ભાવિત થવા માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
તેમાં પરમાત્માના ક્ષાયિક સમ્યગ્દર્શન, વરબોધિ તથા જગતના સર્વભાવોને યથાર્થ સ્વરૂપે જોવાના સામર્થ્યને બુદ્ધિમાં ઉપસ્થિત કરી તેના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન ક૨વાનો છે અને સંસારના સર્વ ભાવોને ભૂલી જઈ તેમના ધ્યાનમાં લીન બનવાનું છે. તીર્થંકરના આ ગુણોની સાથે જો તાદાત્મ્ય સધાય તો અવશ્ય મિથ્યાત્વ આદિ દર્શનમોહનીયકર્મોનો ભૂક્કો બોલાઈ જાય અને દર્શનાચારની શુદ્ધિ સુલભ બને.
સમ્યગ્દર્શનનું કારણ છે શ્રુતજ્ઞાન. તેની શુદ્ધિ માટે અને ઉત્તરોત્તર વિશેષ શ્રુતજ્ઞાન પ્રત્યે આદર અને બહુમાનભાવ ઉત્પન્ન કરવા માટે, ‘પુખ્ખરવરદીવર્ડ્સે’ ‘સુઅસ ભગવઓ' આદિ .સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પૂર્વના કાઉસ્સગ્ગની જેમ આ કાઉસ્સગ્ગમાં પણ લોગસ્સ દ્વારા ૨૪ તીર્થંકરો સાથે કાંઈક તાદાત્મ્ય સાધવા કોશિષ કરવામાં આવે છે. જ્ઞાનાચારની શુદ્ધિનો ઉદ્દેશ સર કરવા માટે અહીં પ૨માત્માને શ્રુતપ્રવાહના મૂળ સ્રોત સ્વરૂપે સ્મરણમાં લાવવાના છે. માર્ગદેશક એવા પ્રભુ પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થતાં સાધકના જ્ઞાનગુણને આવરનારા કે તેને મલિન કરનારા કર્મો નાશ પામે છે અને તેના પરિણામે સાધકને સાધના માર્ગનો સ્પષ્ટતર બોધ થાય છે.
પ્રભુ સર્વગુણસંપન્ન છે અને તેમના સર્વ દોષો નાશ પામી ગયા છે, તેથી તેમના ધ્યાનથી રત્નત્રયીરૂપ સર્વ ગુણો પ્રગટી શકે છે. આથી જ રત્નત્રયીની શુદ્ધિ અને વૃદ્ધિ માટે કરાતાં કાઉસ્સગ્ગમાં લોગસ્સ સૂત્રનો સહારો લેવાય છે.