________________
૧૪
સૂત્ર સંવેદના-૬
આવશ્યક કેવી રીતે સાચવવા અને બત્રીસ દોષોનો કેવી રીતે ત્યાગ કરવો તે સર્વ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૩માંથી જાણી, તેવી વિધિ અને તેવા ભાવપૂર્વક વંદન આવશ્યક કરવાનો આગ્રહ રાખવો.
આ વાંદણા દ્વારા ગુરુવંદન કર્યા પછી પાપોનું આલોચન કરવાનું છે અને તે ગુણવાન ગુરુભગવંતની નિશ્રામાં ક૨વાનું છે, તેથી બીજા વાંદણા બાદ અવગ્રહની બહાર નીકળવાનું નથી; પરંતુ ગુરુના અવગ્રહમાં રહીને જ પાપોનું આલોચન કરવાનું છે.
આ રીતે બે વાંદણા દ્વારા નિષ્પન્ન થયેલ વંદન આવશ્યક દ્વારા પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિનું પાલન, પિંડવિશુદ્ધિ આદિ મૂળગુણ અને ઉત્તરગુણને ધારણ કરીને મોક્ષમાર્ગમાં પરમ યત્ન કરનાર ગુણવાન ગુરુભગવંતની પ્રતિપત્તિ (સેવા) તથા વંદન થતું હોવાથી તેના દ્વારા પાંચે આચારોની શુદ્ધિ થાય છે.
૮. ચોથું આવશ્યક - પ્રતિક્રમણ
તથા ગુરુ સમક્ષ દોષોનું પ્રકાશન :
૧. ત્યારપછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ દેવસિઅં આલોઉ' કહી દિવસ દરમ્યાન લાગેલા અતિચારોની આલોચના કરવા (ગુરુને કહેવા) માટે આજ્ઞા માગવી.
૨. ગુરુભગવંત ‘આલોએહ' કહીને આજ્ઞા આપે એટલે ‘ઇચ્છું’ કહી આજ્ઞાનો સ્વીકાર કરવો અને ‘આલોએમિ જો મે દેવસિઓ અઈઆરો કઓ' - સૂત્ર બોલવું.
૩. પછી ‘સાત લાખ’ અને ‘અઢાર પાપસ્થાનક' બોલવા.
વંદન આવશ્યક દ્વારા ગુરુનો વિનય કર્યા પછી સાધક પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો પ્રારંભ કરે છે. પ્રતિક્રમણની આખી ક્રિયાનો મુખ્ય ઉદ્દેશ પાપથી પાછા ફરવાનો છે. પાપ એ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. પાપને કારણે જ આત્મા અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારના પરિભ્રમણથી કંટાળેલો, થાકેલો અને મોક્ષના સુખની જ અભિલાષાવાળો સાધક આમ તો જાણી-જોઈને પાપ કરવાની ઇચ્છા પણ રાખતો નથી. છતાં અનાદિના કુસંસ્કારો, પ્રમાદ, અજ્ઞાન આદિના કારણે કે સહસાત્કારે તેનાથી પાપ થઈ જાય છે. તે પાપોના નાશ