________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
તો કામળી ઓઢી માત્રાદિની જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જવું. ત્યાં જીવો છે કે નહિ તેની તપાસ માટે તે જગ્યાંને ચક્ષુથી જોવી અને જીવોની રક્ષા માટે વાટકાનું પૂંજણીથી પ્રમાર્જન કર્યા પછી તેમાં માતરું કરવું.
૧૮૯
માતરું કર્યા પછી કુંડીને હાથમાં લઈ તેને પરઠવવા જવું. પરઠવતાં પૂર્વે નિર્જીવ તથા જ્યાં કોઈની દૃષ્ટિ આદિ ન પડતી હોય તેવી જગ્યાએ જઈ કુંડી હાથમાંથી નીચે મૂકવી. જે જગ્યા ઉપર મળ-મૂત્રનું વિસર્જન કરવાનું છે, તે જગ્યાનો માલિક હાજર હોય તો પ્રત્યક્ષરૂપે તેની રજા લેવી અને પ્રત્યક્ષપણે કોઈ દેખાતું ન હોય તો ‘અણુજાણહ જસુગ્ગહો’ = ‘જેની જગ્યા હોય તે મને આજ્ઞા આપો' એવું કહી, હળવા હાથે છુટું છુટું માત્રુ એ રીતે પરઠવવું કે થોડા સમયમાં તે સૂકાઈ જાય. પરઠવ્યા બાદ તેનો ત્યાગ કરવા ત્રણવાર ‘વોસિરે વોસિરે વોસિરે' કહેવું.
ત્યારપછી ‘નિસીહિ’ સામાચારીનું પાલન કરવા માટે તથા માતરું પરઠવવા આદિમાં ક્યાંય અવિધિ થઈ હોય તો તેના ત્યાગ માટે ‘નિસીહિ’ બોલી ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી માત્રાની કુંડી તેના યોગ્ય સ્થાને મૂકી અશુદ્ધ હાથને અચિત્ત પાણીથી શુદ્ધ કરી સ્થાપનાચાર્ય પાસે આવી ઇરિયાવહિયં કરી ગમણાગમણે આલોવવા. તે દરમ્યાન સમિતિ-ગુપ્તિના પાલનમાં ક્યાં ચૂકાયું છે તે યાદ કરી તેનું ‘મિચ્છા મિ દુક્કડં' આપવું.
સ્થંડિલ જવા માટે પણ લોટો વગેરે જળપાત્ર લઈને નિર્જીવ અને લોક ન જોતા હોય તેવી સ્થંડિલ ભૂમિએ જવું. ત્યાં બેસતાં પૂર્વે ‘અણુજાણહ જસુગહો’ને ઊઠ્યા પછી ‘વોસિરે વોસિરે’ ત્રણ વાર કહેવું. પછી પૌષધશાળાએ આવી (અશુચિ લાગી હોય તો) હાથ-પગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઇરિયાવહિયં કરી ગમણાગમણે આલોવવા..
૮. પચ્ચક્ખાણ પારવાની વિધિ :
૧. પ્રથમ ઇરિયાવહિ પડિક્કમવા પછી જગચિંતામણિ ચૈત્યવંદનથી જય વીયરાય સુધી કહેવું..
૨. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગી, ગુરુ ‘કરેહ’ કહે ત્યારે એક નવકાર કહી મન્નહ જિણાણું૦ ની સજ્ઝાય કહેવી, તે પછી ખમાસમણ આપી આદેશ માગી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા આપી, ‘ઇચ્છા પચ્ચક્ખાણ પારું ?'