________________
પૌષધ પારવાનું સૂત્રા
સૂત્ર પરિચય:
પૌષધ મારતી વખતે આ સૂત્રનો ઉપયોગ થતો હોવાથી તેનું નામ “પસહપારણસૂત્ર' છે. પૌષધ વ્રત પૂર્ણ થતાં આ સૂત્રના માધ્યમે જેમને અખંડ પૌષધવ્રતનું પાલન કર્યું છે તેવા અનેક મહાપુરુષોને શ્રાવક યાદ કરે છે, તેમના અખંડિત વ્રતને સ્મરણમાં લાવે છે અને પોતે સ્વીકારેલું વ્રત કેટલી ખામીવાળું અને દોષ સભર હતું તેનો વિચાર કરે છે. વર્તમાનમાં થએલી ભૂલોનો પશ્ચાત્તાપ કરે છે અને ભવિષ્ય માટે સંકલ્પ કરે છે કે, “જો મારામાં સત્વ પ્રગટે તો આનંદ, કામદેવની જેમ હું પણ સર્વ સંગનો ત્યાગ કરીને સંસારના સર્વ ભાવોથી નિર્લેપ થવા સુવિશુદ્ધ પૌષધવ્રતનો સ્વીકાર કરું.”
આ સૂત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે : પ્રથમની બે ગાથા પ્રાકૃતમાં છે અને તેમાં અખંડિત વ્રતનું પાલન કરનાર સાગરચંદ્ર વગેરે શ્રાવકોનું સ્મરણ કરાવી તેમની પ્રશંસા કરી છે. સૂત્રનો અંતિમ વિભાગ ગુજરાતી ભાષામાં છે અને તેમાં શ્રાવકને પૌષધમાં કયા દોષો લાગે છે તે જણાવી તેનું મિચ્છા મિ દુક્કડ આપવામાં આવ્યું છે.
સારું પણ અનુષ્ઠાન વિધિપૂર્વક કરાય તો ફળદાયક બને છે. તે વાત લક્ષ્યમાં રાખીને શ્રાવકે આ પૌષધનું અનુષ્ઠાન પણ વિધિપૂર્વક ગ્રહણ કરવું જોઈએ અને વિધિપૂર્વક પારવું જોઈએ. તેમ છતાં શરતચૂકથી, પ્રમાદથી કે બેકાળજી આદિથી કોઈ ભૂલચૂક થઈ હોય તો આ સૂત્ર બોલી સાધક તેનો પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે.