________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૬૯
નિમિત્ત બન્યો છું. મીઠા મધુરા અને માયાવી વચનો દ્વારા હું અનેક માટે રાગનું કારણ બન્યો છું. વધુ પડતા વચનો બોલી મેં ઘણાને દુભવ્યા છે. વાણી દ્વારા ચાડી, ચુગલી, વિકથા આદિ અનેક પાપો કરી મેં નિષ્કારણ ઘણાં કર્મો બાંધ્યા છે. આ સર્વ પાપોને યાદ કરી હું તેનું “
મિચ્છા મિ દુક્કડ' આપું છું” કાયાથી કરેલાં પાપ પ્રત્યે જુગુપ્સા પેદા કરતાં તે વિચારે છે, “મને શરીર પણ એવું મળ્યું છે કે, સંયમ આદિની સાધના કરી હું સર્વ કર્મ ખપાવી સિદ્ધિગતિ સુધી પહોંચી શકું, પરંતુ મેં આ કાયાનો પણ દુરુપયોગ કર્યો છે. અજયણાથી તેને પ્રવર્તાવી અનેક પ્રકારની હિંસા કરી છે. વિષયસુખ ભોગવવા આ કાયા દ્વારા ઘણા તુચ્છ જીવોનો કચ્ચરઘાણ વાળ્યો છે. કેટલાયના જીવનમાં આગ ચાંપી છે. આ સર્વ કાયાથી કરેલા કુકર્મોને યાદ કરી તેનું “મિચ્છા મિ દુક્કડ' આપું છું.”
આમ આ ગાથા બોલતાં શ્રાવક મન, વચન અને કાયાથી કરેલા સર્વ પાપોને યાદ કરી અંત:કરણપૂર્વક તેની માફી માગે છે અને ભવિષ્યમાં ફરી આવા પાપો ન થઈ જાય તે માટે સાવધાન બને છે.
આ સૂત્ર દ્વારા સાધકે ક્રમશ: લોકોત્તમ ચારનું શરણ સ્વીકારી, પાપનો ત્યાગ કરી, આત્માનું અનુશાસન કર્યું. ત્યારબાદ સમ્યક્તનો સ્વીકાર કરીને સર્વ જીવોની ક્ષમાપના કરી. અંતે આ ગાથા દ્વારા પાપોની આલોચના કરવાથી સાધકનો આત્મા શલ્ય રહિત પણ બને છે. આવી રીતે આરાધના કરવાથી સાધક કદાચ રાત્રિમાં મરણ પામે તોપણ તેની સદ્ગતિ થાય છે.
પોરિસી ભણાવતી વખતે બોલાતી આ ગાથાઓમાં સાધકે જીવનના અંત સમયે જે જે કરવાનું છે તે બધું યોગ્ય રીતે દર્શાવેલું છે. આ ગાથાઓનું ચિંતન-મનન કરવાથી જીવનના દષ્ટિબિંદુમાં અને રોજ-બરોજની પ્રવૃત્તિમાં મોટું પરિવર્તન થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જેનાથી સાધનામાર્ગ ઉપર બહિર્મુખ દશામાંથી અંતર્મુખ બનવાની હરણફાળ ભરાય છે. તેથી અધ્યાત્મસાધના કરવાની ઇચ્છાવાળા દરેક સાધકે આ લક્ષ્યપૂર્વક આ આખું સૂત્ર બોલવું જોઈએ.