________________
૧૬
સૂત્ર સંવેદના-૬
કરજો, તમારાથી પણ આવું કાંઈ થયું હોય તો મેં તમને પૂર્વે જ માફ કર્યા છે.
આ રીતે સર્વ જીવોને ખમી (ક્ષમા આપીને) અને ખમાવીને (ક્ષમા માંગીને) સાધક સર્વ જીવોને વિનંતી કરે છે કે, ‘તમે પણ ઉદારતા રાખી મોકળા મનથી મને જરૂર માફ કરજો, તો જ મને શાંતિ થશે. હું જાણું છું કે, મારો અપરાધ જરાપણ માફીને યોગ્ય નથી; પરંતુ આપણે ક્રોધને વૈરનું સ્વરૂપ આપીને આપણું ભવિષ્ય બગાડવું નથી. તેથી ફરી ફરી તમને વિનંતી કરું છું કે પૂર્વની દુ:ખદાયક બીનાઓને બિલકુલ ભૂલી જશો અને મને તે બદલ માફ કરશો. આપણે પૂર્વની કડવાશ ભૂલીને એકબીજાના મિત્ર બનવું છે, સ્નેહ અને હુંફભર્યા સંબંધો જાળવી, આપણે આત્મીય સ્વજનની જેમ ભવિષ્યમાં જીવવું છે. તેથી ભૂતકાળના મારા વર્તનને ભૂલી મને ક્ષમા અર્પજો.”
આ રીતે સ્વ-પરના વૈર ભાવને શાંત કરવા પરસ્પર ક્ષમાપના કર્યા પછી સાધક સર્વ જીવોને પોતાના શુભ ભાવો ઉપર વિશ્વાસ થાય તે માટે કહે છે કે, “કેવળજ્ઞાન દ્વારા સર્વ જીવોના મનોગત ભાવોને જોઈ રહેલા સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું કહું છું કે, હવે મને તમારા કોઈ પ્રત્યે વૈરભાવ નથી. તમને સર્વને હું મારા મિત્ર જેવા માનું છું. હું સમજું છું સર્વ જીવો કર્મને વશ છે. કર્મની પરવશતાના કારણે જ તેઓ અનુચિત કાર્યો કરે છે. પરિણામે તેઓ ક્યાંય ઠરીને ઠામે બેસી શકતા નથી, પરંતુ અનેક પ્રકારના દુઃખોને ભોગવતા ચૌદ રાજલોકમાં ભમ્યા કરે છે.
જો જીવો કર્મને વશ ન હોત તો પોતાના જ્ઞાનાદિને છોડી અજ્ઞાનમાં શું કામ અથડાત ? સુખ પોતાની પાસે હોવા છતાં તે સુખ મેળવવા બીજાને દુ:ખી શું કામ કરત ? પોતે જેનાથી દુઃખી થવાના હોય તેવા ક્રોધાદિ કષાયોને સ્થાન કેમ આપત? તેથી સમજી શકાય એવું છે કે, જીવ સ્વયં અકાર્ય નથી કરતો કર્મ જ તેને કરાવે છે. આ અયોગ્ય કાર્યો થયા તેમાં તે જીવોનો કોઈ ગુનો નથી; વાંક કર્મનો છે. પ્રભુની કૃપાથી આજે મને આ સચ્ચાઈ સમજાઈ છે. હવે મને વિશ્વાસ છે કે, તમારો કોઈ અપરાધ જ નથી. હવે સ્મૃતિ કોશમાંથી મેં તમારા બધા અપરાધોને ભૂંસી નાંખ્યા છે. તમે પણ જરૂર એ પ્રમાણે કરશો.”
આ બે ગાથાઓ બોલતાં સાધક જગતના સર્વ જીવોને પોતાની સ્મૃતિમાં લાવે, અનંતકાળથી સંસારમાં ભટકતાં પોતે તેમના કયા કયા અપરાધો કર્યા છે તેને યાદ કરે, દુઃખાદ્ધ હૃદયે તે અપરાધોની માફી માગે, સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખી એકરાર કરે કે,