________________
૧૫૮
સૂત્ર સંવેદના-૬
મૃત્યુથી આ શરીરનો નાશ થશે પણ મારો નાશ નહીં થાય. હું અગ્નિથી બળવાનો નથી, પાણીથી ડૂબવાનો નથી કે અસ્ત્રથી હું છેદાવાનો નથી. રોગથી મને કોઈ નુકશાન થવાનું નથી કે ભોગથી મને કોઈ ફાયદો થવાનો નથી. હું તો કાળના તખ્તા પર સ્થિર આસન જમાવી બેઠો છું. અનંતકાળમાં એવો સમય ક્યારેય નથી આવવાનો કે જ્યારે હું નહીં હોઉં. સંસારની કોઈપણ તાકાત મારા અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશને આમ કે તેમ કરી શકવાની નથી. તો પછી મને ચિંતા શેની ? જેનો નાશ થવાનો છે તે શરીર કે સંપત્તિ મારા નથી. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેના નાશથી મને કોઈ ફરક પડવાનો નથી.
હું તો શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રની અસીમ સંપત્તિનો માલિક છું. જે વસ્તુ જેવી હોય તેવી જ તેને સમજવી એ મારો જ્ઞાન નામનો ધર્મ છે. સમજાયેલી વસ્તુમાં ‘આ આમ જ છે’-એવી શ્રદ્ધા કરવી તે મારો દર્શન નામનો સ્વભાવ છે અને તે સાચી સમજણ અને શ્રદ્ધાપૂર્વક જ પ્રવર્તવું એ મારો ચારિત્ર નામનો ગુણ છે. ટૂંકમાં આ જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય મારું કાંઈ નથી. તે સિવાયનું બધું પરાયું છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો સિવાય શરીર, ધન, સંપત્તિ, ઘર, પરિવાર ઇત્યાદિ સર્વ સંયોગના કારણે સર્જાયેલા બાહ્ય ભાવો છે. મારા પોતાના નથી, પરાયા છે. વળી નિયમા વિયોગમાં પરિણમે છે, તેથી આ સર્વ ભાવો, સંબંધો વગેરે નશ્વર છે. આજે છે કાલે નાશ પામી જશે.”
આ રીતે વિચારણા કરવાથી સાધક સર્વ પ્રકારના સંબંધથી પોતાના મનને મુક્ત રાખી સર્વ સંગથી પર બની જ્ઞાનાદિ સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિર થઈ શકે છે. આત્મભાવમાં સ્થિર થયેલો સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિને પણ પ્રાપ્ત કરી શકે છે.
આ શ્લોકમાં જે ‘વીળમળો' શબ્દ મૂક્યો છે, તે અતિ મહત્વનો છે કેમ કે, આ સંસારમાં જીવોને જ્યારે દ્રોહ, વિશ્વાસઘાત કે તિરસ્કારનો અનુભવ થાય છે ત્યારે પણ તે દીન બની વારંવાર એવું જ વિચારે છે કે બોલે છે કે, ‘નાહકના હું કોઈને મારા માનું છું. ખરેખર મારું કોઈ નથી હું પણ કોઈનો નથી...' આવી તેની વિચારણા આર્ત્તધ્યાનની પેદાશ હોય છે. આ વિચારો તેને પીડા ઉપજાવે છે, સુખથી દૂર રાખે છે, તેના આધ્યાત્મિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. જ્યારે અદીનભાવથી-પ્રશાંત ચિત્તે કરેલી આ જ વિચારણા સાધકમાં સત્ત્વ ઉત્પન્ન કરે છે, તેની પરાધીન બનવાની વૃત્તિ નાશ પામે છે. પરિણામે સાધક આત્મિક આનંદ તરફ આગળ વધતાં વધતાં છેક પરમ સુખ સુધી પહોંચી શકે છે. તેથી સ્વભાવમાં