________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૭
શબ્દાર્થ :
‘હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી’ જ્ઞાન-દર્શનથી યુક્ત એક મારો આત્મા શાશ્વત છે, બાકી બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો (નાશવંત) છે.’ આ રીતે સાધક અદીન-મનથી આત્માને સમજાવે. ૧૧-૧૨
વિશેષાર્થ :
પાપનો ત્યાગ કર્યા પછી પણ સાધકને જો પોતાના સ્વરૂપની સ્મૃતિ ન રહે તો તે પરપદાર્થોને પોતાના માની તેને માટે અનેક પાપો કર્યા કરે છે. આવું ન બને તે માટે આ બે ગાથા દ્વારા સાધક પોતાના સ્વરૂપનું સ્મરણ તાજું કરે છે.
સ્વ-સ્વરૂપના અનુસંધાન માટે કરાતી આ વિચારણા પણ તે ભાંગી પડેલા કે એકલા પડી ગયેલા દીન કે હતાશ લોકોની જેમ નથી કરતો; પરંતુ અદીનભાવે અને પ્રસન્ન ચિત્તે સ્વરૂપનું અનુસંધાન થાય તે રીતે કરે છે. તે માટે તે શાસ્ત્રનો આધાર લઈ વિચારે છે કે,
“હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ અન્ય કોઈનો નથી. હું એકલો છું એટલે હું એક માત્ર આત્મા છું.-સુખ મારો સ્વભાવ છે. આનંદ મારું સ્વરૂપ છે. હું સુખ કે આનંદના પિંડરૂપ છું. આના સિવાય જગતમાં મારું કોઈ નથી. હું જે શરીરની સાથે સંકળાયેલો દેખાઉં છું તે શરીર પણ હું નથી કે તે મારું પણ નથી. જે સ્વજન - પરિવારને હું મારા માનું છું તે પણ મારા નથી. મિત્ર, સગા, સ્નેહી, ધન, સંપત્તિ વૈભવ આદિ કાંઈપણ મારું નથી. હું આમાંનું કાંઈપણ લીધા વગર પરભવમાંથી એકલો આવ્યો છું અને પરભવમાં એકલો જવાનો છું. આ કોઈપણ વસ્તુમાંથી મને સુખ મળવાનું નથી કે આ કોઈપણ વસ્તુ મારા દુ:ખને હળવું કરી શકવાની નથી. આમ છતાં અજ્ઞાનને કારણે મને એવું લાગે છે કે કોઈક મારી પાસે હશે તો મને સુખ આપી શકશે મારા દુ:ખને દૂર કરી શકશે. મારી આ માન્યતા તદ્દન ખોટી છે. મને સુખ-દુ:ખ મારા કર્મથી જ મળે છે. તે કર્મને હું એકલો જ બાંધું છું અને કર્મનું ફળ પણ હું એકલો જ ભોગવું છું.’
હું જેમ એકલો છું અને મારું કોઈ નથી તેમ હું કોઈનો નથી. હું કોઈનો પિતા નથી કે કોઈનો પુત્ર નથી, કોઈનો સ્વામી નથી કે કોઈનો સ્નેહી નથી. આ બધા તો માત્ર વ્યવહારના સંબંધો છે. કર્મ પૂરા થતાં તે સંબંધો પૂરા થઈ જશે અને કર્મકૃત નવા સંબંધો ઊભા કરવા શાશ્વત એવો હું ક્યાંક ચાલ્યો જઈશ.