________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૯
પરમાર્થથી મંગલ કહેવાય છે. જગતના અન્ય કોઈ તત્ત્વોમાં આવી ક્ષમતા નથી.
આ ચાર મંગલકારી તત્ત્વોમાં પ્રથમ સ્થાને રહેલા શ્રી અરિહંત પરમાત્મા ત્રણે લોકના જીવોનું દુર્ગતિના ભયથી રક્ષણ કરતાં હોવાથી ત્રણ લોકના નાથ છે. જગતના સર્વશ્રેષ્ઠ પુણ્યના સ્વામી છે. રાગ-દ્વેષ-મોહ રૂપી શત્રુઓનો એટલે આસક્તિ-અપ્રીતિ અને અજ્ઞાનનો તેમણે નાશ કર્યો છે. કેવળજ્ઞાનાદિ સંપત્તિવાળા છે. જગતના જીવોને મોક્ષ આપનારા હોવાથી તેઓ અચિંતચિંતામણી સમાન છે. સંસારરૂપી સમુદ્રને તરવા માટેનું ઉત્તમ જહાજ છે. ઉત્કૃષ્ટ પુણ્યોદયરૂપે તીર્થકર પદવી પામી અનંતા જીવોને આત્મશુદ્ધિનો-આત્મિકસુખનો રાહ ચિંધી રહ્યા છે.
સિદ્ધભગવંતો સાધના કરી સિદ્ધગતિને પામ્યા છે. કર્મરજનો સર્વથા નાશ કરી સંપૂર્ણ શુદ્ધ બન્યા છે. શરીરાદિ સર્વ બંધનોને ત્યજી નિર્બધ બન્યા છે. સર્વસંગથી રહિત થયા છે. જન્મ-જરા-મૃત્યુનો તેમણે નાશ કર્યો છે. કેવળજ્ઞાન અને દર્શનથી યુક્ત છે. સિદ્ધિપુરના નિવાસી છે. કૃતકૃત્ય છે અને અનંતકાળ સુધી અનુપમ આત્મિક સુખને ભોગવનારા છે. - સાધુભગવંતો આ સિદ્ધદશાને પામવા સતત યત્ન કરી રહ્યા છે. તે માટે જ સમિતિ-ગુપ્તિમય જીવન જીવે છે. અઢાર હજાર શીલાંગવાળા સંયમરથ પર આરૂઢ થઈ મોક્ષમાર્ગમાં આગળ વધી રહ્યા છે. પ્રશાંત અને ગંભીર ચિત્તવૃત્તિથી શોભે છે. સર્વથા પાપ-વ્યાપારને છોડી સદા પંચાચારના પાલનમાં મગ્ન રહે છે. દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવામાં નિરત હોય છે. કમળની જેમ નિર્લેપ હોય છે. ધ્યાન અને અધ્યયનના સંગથી સતત વિશુદ્ધ થતાં ભાવોથી તેમનું અંતર દીપતું હોય છે.
કેવળીભગવંતે પ્રરૂપેલો શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પરમસુખને પમાડનાર છે. આત્માનંદને ભણાવનાર છે. સુર-અસુર અને મનુષ્યોથી પૂજાયેલો છે. મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવો છે. રાગ-દ્વેષરૂપી વિષ ઉતારવાનો પરમ મંત્ર છે. સકળ કલ્યાણનું નિમિત્ત છે. કર્મવનને બાળવામાં અગ્નિ જેવો છે. સિદ્ધભાવનો સાધક છે.
આ ચારે મહા મંગલકારી તત્ત્વોના આવા સ્વરૂપનું જેઓ ચિંતન-મનન-ભાવન કે તેનું ધ્યાન કરે છે તેઓને દુઃખકારક રાગાદિ દોષો નાશ પામે છે અને તત્કાળ સુખને આપનારા ક્ષમાદિ ગુણો પ્રગટ થાય છે. પ્રગટેલા આ ગુણો દ્વારા ઉત્તરોત્તર આત્મિક વિકાસ સાધી તેઓ છેક પરમાનંદરૂપ મોક્ષ સુધી પહોંચી શકે છે. જ્યાં સુધી મોક્ષમાં ન પહોંચી શકાય ત્યાં સુધી આ અરિહંતાદિના ધ્યાનાદિથી બંધાયેલા પુણ્યથી