________________
૧૧૭
સૂત્ર સંવેદના-૬
શ્રીસંઘ ઉપરનો આ ભાવ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે. ગુણાનુરાગને કેળવવાનું ઉત્તમ આલંબન છે. આ એક ગુણ પણ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરી, સમ્યગ્દર્શન આદિ ગુણોને પ્રગટ કરીને, યાવતુ તીર્થંકર નામકર્મનો બંધ કરાવી તીર્થંકર પણ બનાવી શકે છે.
આથી જ સજ્ઝાયકાર મહર્ષિ ગુણાનુરાગી શ્રાવકોને કહે છે કે, “તમો જિનાજ્ઞાનુસાર ચાલનાર શ્રીસંઘ પ્રત્યે અતિ આદરભરી નજરથી જુઓ. સંઘના નાનામાં નાના સભ્ય પ્રત્યે બહુમાન ધારણ કરો. તેમની આરાધના જોઈ હર્ષિત થાઓ. શ્રીસંઘનાં ક્યાંય દર્શન કરવા પણ મળે તો ઉમળકાથી તેના દર્શન કરવા જાઓ. સંઘના નાનકડા બાળકને પ્રભુની અંગરચના કરતાં જુઓ કે પાઠશાળામાં ભણતાં જુઓ, પ્રતિકમણ કરતાં જુઓ કે, કાલીઘેલી ભાષામાં સ્તવન ગાતાં જુઓ તો તેને પ્રોત્સાહન આપો, તેને ભેટી પડો, તેમના પ્રત્યે સ્નેહભાવ ધારણ કરો. યુવાનીના ઉંબરે ઊભેલા સંઘના સદસ્યોના સદાચારો જોઈ અતિ પ્રમુદિત થાઓ. ભર યુવાનીમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં શ્રાવક-શ્રાવિકાને જોઈ તમારું હૃદય ભીંજવી દો. હર્યા ભર્યા સંસારનો ત્યાગ કરી આજીવન પ્રભુ આજ્ઞા અનુસાર જીવન જીવનારા સાધુ-સાધ્વીને જોઈ મન અને મસ્તક ઝૂકાવી દો. ટૂંકમાં પ્રભુની આજ્ઞાનુસાર નાના-મોટા કોઈપણ અનુષ્ઠાન કરનાર પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે અહોભાવ રાખી, આનંદની લાગણી અનુભવો.
શ્રીસંઘ પ્રત્યેના આદરની પોતાનામાં વૃદ્ધિ કરવા તથા આડોશ પાડોશને પણ સંઘ પ્રત્યેનું બહુમાન ઉત્પન્ન કરાવવા, અવસરે વૈભવ અને આડંબરપૂર્વકના મહોત્સવ સાથે શ્રીસંઘને તમારા આંગણે પધારવાનું આમંત્રણ આપો, દૂધથી તેમના પગ પખાળો, તિલક કરો, ઉત્તમ દ્રવ્યથી તેમની ભક્તિ કરો. શ્રીસંઘના પ્રત્યેક સદસ્ય આરાધનામાં ઉજમાળ રહે તેની કાળજી રાખો, તેઓ સાધના ક્ષેત્રે ઉત્તરોત્તર ઉન્નતિ કરે તેવાં અનુષ્ઠાનોનું આયોજન કરો, સાધર્મિકોને આરાધના થઈ શકે તેવાં જિનમંદિરો, પૌષધશાળાઓ, પાઠશાળા વગેરેનું નિર્માણ કરો કે, તેના દૈનિક સંચાલનમાં તમારી તન, મન, ધનની શક્તિનું યોગદાન આપો.
સંઘનો કોઈપણ સભ્ય શારીરિક કે આર્થિક પીડાથી વ્યથિત હોય તો યોગ્ય ઉપચારો કરો કે કરાવો અને ખૂબ વાત્સલ્ય તથા લાગણી સાથે ભક્તિપૂર્વક તેની વ્યથા દૂર કરો. તમારી દૃષ્ટિને નિર્મળ કરી સંઘની ગુણ સંપત્તિ નિહાળો અને સંઘના એક પણ વ્યક્તિ પ્રત્યે ક્યારેય દ્વેષ, અપ્રીતિ, અભક્તિ, ઈર્ષ્યા કે અસૂયાના ભાવો સ્પર્શે નહિ તેની કાળજી રાખો.