________________
૯૮
સૂત્ર સંવેદના
૨૪. રદ-નત્તા - રથયાત્રા
પ્રભુની પ્રતિમાથી યુક્ત રથને વિવિધ માર્ગો ઉપર ફેરવવો તે રથયાત્રા છે. સુવર્ણ રજત કે કાષ્ટના બનાવેલા રથને; મોતીની, પુષ્પોની કે અન્ય કોઈ શ્રેષ્ઠ સામગ્રીથી શણગારી ઉત્તમ વસ્ત્રો અને અલંકારોથી શોભતા શ્રાવક-શ્રાવિકાઓ રત્ન જડિત અલંકારો આદિથી દેદીપ્યમાન બનેલી પ્રભુપ્રતિમાને લઈને રથમાં બેસવું. રથની બે બાજુએથી પ્રભુને ચામર વીંઝવા, વૈભવશાળી ભક્તિવંત શ્રાવકોએ તે રથના સારથી બનવું, પ્રભુના રથની આગળ ઇન્દ્રધ્વજા, અષ્ટમંગળ, મંગળવાજિંત્રો, ગગનભેદી નગારાં, ગીત-નૃત્યની મંડળીઓ તથા સુંદર શણગારેલા અને પૂજાની વિવિધ સામગ્રીથી ભરેલા ગાડાઓ રાખવા. રથની પાછળ માંગલિક ગીતો ગાતી અને હાથમાં રામણ દીવો લઈને ચાલતી સોહાગણ નારી રાખવી. અંતમાં દીન-દુઃખી અનાથ જીવોને અનુકંપા દાન કરવાની વ્યવસ્થા રાખવી. આ રીતે સુંદર અને પ્રભાવક ગોઠવણ કરીને શ્રેષ્ઠી-શ્રીમંતો પોતાના હાથે અથવા હાથી, બળદ કે અશ્વની જોડીથી તે રથને ખેંચી નગરના વિવિધ માર્ગો ઉપર ફેરવે તે રથયાત્રા છે.
માનવીનું મન ઉત્સવપ્રિય હોય છે. સંસારમાં અનેક ઉત્સવો ઉજવી તે ઘણાં કર્મો બાંધે છે. આ કર્મબંધથી છૂટવા શ્રાવકોએ વારંવાર રથયાત્રા જેવા ઉત્સવો યોજવા જોઈએ. તે ન બની શકે તો ઉત્તમ શ્રાવકોએ વર્ષમાં એકાદવાર તો શાસનની પ્રભાવનાનું અંગ બને તેવી રથયાત્રા અવશ્ય કાઢવી જોઈએ. કેમ કે, રથયાત્રા પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનો અને અશુભ કર્મના બંધનોથી મુક્ત થવાનો અમોઘ ઉપાય છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને કહે છે કે, “તમે વર્ષમાં ઓછામાં ઓછી એક્વાર તો રથયાત્રા કરાવો. કદાચ એકલા આ કાર્ય ન કરી શકો તો સંઘ સાથે મળીને પણ આવા ઉત્તમ અનુષ્ઠાનનું આયોજન કરો.
શાસ્ત્રીય મર્યાદા મુજબ અને ઉદારતાપૂર્વક જો આવી રથયાત્રાઓનું તમે આયોજન કરશો તો તેના બાહ્ય સૌંદર્યથી ઘણા બાળજીવો તેની તરફ આકર્ષાશે. આકર્ષાયેલા જીવોને ક્યારેક જૈન ધર્મ અને જિનેશ્વર વિષે જાણવાની ઈચ્છા થશે. આવી જિજ્ઞાસા તેને જૈનધર્મના જાણકાર ગુરુભગવંતો કે સુજ્ઞ શ્રાવકો સુધી પહોંચાડશે. જેના પરિણામે તેનામાં અનંતકાલનું વાસ્તવિક સુખ આપનાર જિન અને જિનેશ્વરના ધર્મ પ્રત્યે આદર અને બહુમાન ભાવસ્વરૂપ બોધિબીજનું વાવેતર થશે. કેટલાક લઘુકર્મી આત્માઓ તો આવી રથયાત્રાના દર્શનથી પણ સમ્યગદર્શન આદિ પામી શકશે આથી પોતાનું તથા અન્યનું કલ્યાણ ઇચ્છતા તમારે આવી રથયાત્રાનું આયોજન અવશ્ય કરવું જોઈએ.”