________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૯૭
२३. ववहारस्स य सुद्धी
વ્યવહારની શુદ્ધિ જાળવવી.
કોઈપણ વસ્તુની લેવડ-દેવડની ક્રિયાને ‘વ્યવહાર' કહેવાય છે. શ્રાવકની એવી ભાવના હોય છે કે, મારો કોઈ વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જેથી મારા દેવગુરુ-ધર્મની નિંદા થાય. વ્યવહાર જો ન્યાય-નીતિ જાળવી સંપૂર્ણ પ્રામાણિકતાપૂર્વક ક૨વામાં આવે તો વ્યવહારની શુદ્ધિ જળવાય છે. વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ હોવા સાથે ધર્મપ્રભાવનાનું કારણ પણ બની શકે છે.
4
આથી જ સૂત્રકાર મહર્ષિ ધર્મપરાયણ શ્રાવકોને કહે છે કે, “તમે જ્યાં સુધી સંસારમાં છો ત્યાં સુધી તમારે અનેક પ્રકારના વ્યવહારો કરવા પડશે. વ્યાપાર પણ કરવો પડશે; પરંતુ યાદ રાખજો આ કાર્ય કરતાં ક્યાંય વ્યવહારમાં, ધન કે અન્ય કોઈ વસ્તુની લેવડ-દેવડમાં; લોભાદિને વશ થઈ અન્યાય કે અનીતિને સ્થાન ન આપતા. તમે ન્યાય-નીતિ અને પ્રામાણિકતાપૂર્વક વ્યવહાર કરજો. કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતાં કોઈને તમારા તરફથી અસંતોષ ન થાય તેનું ધ્યાન રાખજો. જેની જે વસ્તુ જે પ્રકારે જેટલા સમય માટે લીધી હોય તેની તે વસ્તુ તે પ્રકારે તેટલા જ સમયમાં પાછી આપવાનું ક્યારેય ભૂલતા નહિ. માલની લે-વેચ કરવામાં પણ ક્યાંય ભેળસેળ કરતા નહિ. વિશ્વાસપૂર્વક કોઈએ તમારે ત્યાં થાપણ મૂકી હોય તો તેમાં કોઈ ફેરફાર કર્યા વિના પાછી આપજો. દીકરા-દીકરીની લેવડ દેવડમાં પણ ક્યાંય કોઈનો વિશ્વાસઘાત થાય તેમ ન કરતાં.
ટૂંકમાં બોલવા-ચાલવામાં, લેવા-દેવામાં, ખાવા-પીવામાં, ૫હે૨વા-ઓઢવામાં જ્યાં જેની સાથે જે વ્યવહાર કરવો યોગ્ય હોય તે રીતે તમે નૈતિકતા જાળવજો. કેમ કે, આ રીતે કરવાથી જ એકબીજાની સમાધિ જળવાઈ રહે છે. યોગ્ય વ્યવહાર ન કરવાથી સ્વ-પર સૌની સમાધિ જોખમાય છે. માટે જો તમે સૌની સમાધિને ઈચ્છતા હો તો તમારે માત્ર ધાર્મિક વ્યવહારો જ નહિ પરંતુ સંસારના સર્વ વ્યવહારો સુયોગ્ય રીતે કરવા જોઈએ. આવું કરવાથી જ તમે તમારા મનને સ્વસ્થ અને સ્થિર રાખી ધર્મ માર્ગે આગળ વધારી શકશો અને અન્યને પણ ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવવા દ્વારા ધર્મ પમાડવામાં નિમિત્ત બની શકશો.
ધર્મી ગણાતા એવા તમારો વ્યવહાર જો સારો નહિ હોય તો તમારા નિમિત્તે ઘણા લોકો ધર્મની નિંદા ક૨શે અને બોધિદુર્લભ બનશે. આથી તમારે તો દરેક સ્થળે વ્યવહાર એકદમ ચોખ્ખો રાખવો જોઈએ. કૃપણતા, લજ્જા કે રાગાદિ ભાવમાં તણાઈ ક્યાંય વ્યવહાર બગાડવો નહિ.”