________________
૯૬
સૂત્ર સંવેદના-૬
ધૂપસળીની સે૨ો દ્વારા ઘરને સુવાસિત કરો. દીપકની રોશનીથી ઘર રોશન કરો. ચોકમાં રંગોળી પૂરાવો. તમારા આંગણે પધારેલા સાધર્મિકના પગ દૂધ અને પાણીથી પખાળો. તેમને બેસવા કિંમતી આસનો બીછાવો. ચાંદી વગેરે શ્રેષ્ઠ વસ્તુથી બનેલા બાજોઠ ઢળાવો. હીરા-માણેક જડેલા રજત કે સુવર્ણના થાળ મૂકાવો. અત્યંત ભાવપૂર્વક ઉત્તમ વાનગીઓથી તેમની ભક્તિ કરો. ભોજન બાદ કુમકુમનું તિલક કરી મૂલ્યવાન વસ્ત્ર કે અલંકાર વગેરેની પહેરામણી કરો. આ રીતે સાધર્મિકની ભક્તિ કરશો તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી ટૂંક સમયમાં તમે પણ ઉત્તમ ધર્મ આરાધી મોક્ષના મહાસુખને માણી શકશો.”
પૂર્વના કોઈ પાપકર્મનાં ઉદયે બાહ્ય દૃષ્ટિએ કોઈક સાધર્મિક દુઃખી કે દરિદ્રી અવસ્થામાં હોય તો પણ આંતરિક ગુણવૈભવથી તેઓ મહા શ્રીમંત જ છે. આવા સાધર્મિકને જ્યારે સહાય કરવાની તક મળે ત્યારે ક્યારેય તેમને બિચારા કે બાપડા ન માનશો. સમાજમાં ક્યાંય તેમનું નીચું દેખાય તેવું વર્તન ક્યારેય ન કરશો; પરંતુ તેમનું ગૌરવ જળવાઈ રહે તે રીતે તેમની ભક્તિ કરજો. તેમની ભક્તિ કરવામાં તમારું સૌભાગ્ય માનજો, તમારા ધનની સાર્થકતા પણ તેમાં જ છે તેમ વિચારજો. ભક્તિને યોગ્ય પાત્રમાં ક્યારેય અનુકંપાનો ભાવ થશે કે, ‘આમને બિચારાને અમે નહિ આપીએ તો કોણ આપશે' આવો દયાનો પરિણામ પ્રગટશે તો મહાન કર્મનો બંધ થશે. આથી સાધર્મિકને આવી અનુકંપાની બુદ્ધિથી ક્યારેય દાન ન કરશો.
પૂર્વકાળમાં એવા શ્રાવકો હતા જે ગામમાં નવો સાધર્મિક આવે તો તેને પોતાના ઘરે જમવા લઈ જાય અને એક સુવર્ણની ઈંટની પહેરામણી કરી, ટૂંક સમયમાં તેને પોતાની સમાન સંપત્તિવાળા બનાવી દેતા હતા.
જિજ્ઞાસા : ભગવાનના શાસનમાં સામાન્ય રીતે તો સંબંધ બાંધવાની કે, પ્રેમને (લાગણીને) વધા૨વાની મનાઈ કરી છે તો અહીં સાધર્મિક સાથેનો સંબંધ કે પ્રેમ રાખવાની વાત કેમ કરી ?
તૃપ્તિ : કાંટો જેમ કાંટાથી જ નીકળે છે, તેમ અપ્રશસ્ત રાગાદિ કષાયો પણ પ્રશસ્ત રાગાદિ કષાયથી જ ટળે છે. સગા, સ્નેહી કે સ્વજનો પ્રત્યેના રાગને ઘટાડવાનો અને અંતે સર્વ રાગથી મુક્ત થવાનો આ જ પરમ ઉપાય છે. ગુણવાન આત્માઓનો રાગ ક્યારેય રાગને વધારતો નથી, બલ્કે રાગને તોડાવવાના અનેક માર્ગો દેખાડી રાગને શાંત કરવાનું કામ કરે છે. આથી જ આપણું હિત જોઈને પરમ કૃપાળુ પરમાત્માએ અમુક ભૂમિકાની વ્યક્તિ માટે તો દેવ-ગુરુ-ધર્મ અને સાધર્મિક પ્રત્યે રાગ કરવા સૂચવ્યું છે.