________________
૯૦
સૂત્ર સંવેદના-૬
વ્યક્તિને ધર્માભિમુખ બનાવું, કેમ કે, ભૌતિક સ્વરૂપે હું તેને ગમે તેટલું આપીશ તોપણ તેને પોતાના કર્માનુસાર જ મળવાનું છે અને બહારથી અન્નાદિ આપવા છતાં તે જીવ જ્યાં સુધી વિષય કષાયની આસક્તિથી મુક્ત થશે નહિ, ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકશે નહિ ત્યાં સુધી વાસ્તવમાં તે સુખી થશે નહિ; માટે આ રીતે તેનાં બાહ્ય દુઃખો ટાળી, તેને ધીમે ધીમે ધર્માભિમુખ બનાવવા યત્ન કરું. જો તે ધર્માભિમુખ બની તે માર્ગે પ્રવૃત્ત થશે તો તેના અનંતકાળના દુઃખ ટળી જશે અને તે અનંત સુખનો સ્વામી બની જશે.”
આ રીતે સાધકનો દ્રવ્યોપકાર પણ ભાવોપકાર ગર્ભિત જ હોય છે. કેમ કે, તે સમજે છે કે, ભાવપરોપકારના લક્ષ્ય વિનાના દ્રવ્ય પરોપકારની કોઈ વિશેષ કિંમત નથી, નિ:સ્વાર્થ ભાવે સ્વ-પરના કલ્યાણ માટે જેઓ ભાવઉપકારપ્રધાન દ્રવ્યઉપકાર કરે છે તેમને સહજતાથી આત્મિક આનંદનો અનુભવ થાય છે. આવા પરોપકારથી સ્વાર્થ અને સંકુચિત વૃત્તિ ઉપર અંકુશ આવે છે. હૃદય વિશાળ બને છે. ઉદારતા ગુણ ખીલે છે અને બીજાનું હિત કરવાની ઉત્તમ ભાવના દ્વારા અનેકને મોક્ષમાર્ગ સુધી પહોંચાડવામાં નિમિત્ત બનાય છે. જેના પરિણામે પોતાનો મોક્ષમાર્ગ પણ સુલભ અને નિષ્કટક બને છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને કહે છે કે, “જેનો આ ભવમાં મોક્ષ નિશ્ચિત છે, તેવા તીર્થકર ભગવંતો પણ દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક મહાદાન આપે છે અને તે દ્વારા જગતના જીવોનું દ્રવ્ય દારિદ્રય ટાળવા પ્રયત્ન કરે છે. સંયમજીવન સ્વીકારી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જગતના જીવો સંસારસાગર તરી શકે તે માટે પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે અને જીવન પર્યત દેશના આપી જગતના જીવો ઉપર ‘ભાવોપકાર' કરે છે.
તીર્થંકર પરમાત્મા પણ જો આ રીતે દ્રવ્યોપકાર અને ભાવોપકાર માટે યત્ન કરતા હોય તો જેની મુક્તિ હજુ નિશ્ચિત નથી તેવા તમારે તો મુક્તિને સુલભ બનાવવા દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવા સદા તત્પર રહેવું જોઈએ. પ્રાપ્ત થયેલ પરોપકાર કરવાની તક ક્યારેય જતી ન કરવી જોઈએ. રોજ રોજ પરોપકાર કરવાનાં નિમિત્તો શોધતા રહેવું જોઈએ. તમે પરોપકારની તક શોધશો તો તમને અવશ્ય તેને યોગ્ય કાર્ય મળી જશે. તે દ્વારા તમે આનંદ માણી શકશો અને સાથે જ તમને અગણિત ગુણો પણ પ્રાપ્ત થશે. સૂરીપુરંદર પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે કે, “પરોપકાર એક એવો ગુણ છે જે શ્રત, શીલ, સમાધિનું અને જેને કાઢવો અતિ કપરો છે તેવા કુગ્રહના ત્યાગનું કદી નિષ્ફળ ન જાય તેવું