________________
સૂત્ર સંવેદના-૩
તેનું ઉત્તમ માર્ગદર્શન તમને સ્વાધ્યાયથી મળશે. ધીરજપૂર્વક આ માર્ગે ચાલતાં તમો વર્તમાનમાં પણ જરૂર આંશિક આત્માનંદ માણી શકશો. તેનાથી ઉત્તરોત્તર તમારો ઉત્સાહ વધશે અને તમે સાધનામાર્ગે વેગપૂર્વક પ્રગતિ કરી આત્માના અનંતસુખના ભોક્તા બની શકશો. સ્વાધ્યાયના આવા ઉત્તમ લાભને જાણી, હે શ્રાવક ! પ્રમાદને ત્યજો અને સ્વાધ્યાયમાં રત રહો.” ૨૬. નમુવારી - નમસ્કાર કરો, નવકારમંત્રનો જાપ કરો.
ગુણોના ભંડાર પંચ પરમેષ્ઠીને અથવા ગુણવાન કોઈપણ આત્માને નમવું, તેમના પ્રત્યે આદર કે અહોભાવ પ્રદર્શિત કરવો તે નમસ્કાર છે. નવકારમંત્રના જાપ દ્વારા પંચ પરમેષ્ઠીને સુંદર રીતે નમસ્કાર થઈ શકે છે; માટે શ્રાવકે ઓછામાં ઓછું ત્રણે સંધ્યાએ આ નવકારમંત્રના જાપ કરી, તે દ્વારા ગુણવાન એવા અરિહંત આદિના સ્મરણ સાથે તેમને નમસ્કાર આદિ કરવા જોઈએ, કેમ કે, વારંવાર આ રીતે નમસ્કારાદિ કરવાથી ગુણવાન આત્માઓ અને તેમના ગુણો પ્રત્યે પ્રીતિ પ્રગટે છે. તેમના પ્રત્યેના આદર અને બહુમાન ભાવની વૃદ્ધિ થાય છે. તે સાથે જ દોષવાન આત્મા તથા દોષો પ્રત્યેનો લગાવ ઘટતો જાય છે અને પરિણામે દોષો ટળે છે અને ગુણરાશિ પ્રાપ્ત થાય છે.
આ જ કારણથી પરમપંથેચ્છ શ્રાવકોને સક્ઝાયકાર કહે છે કે, “તમે નમસ્કાર કરો. પ્રભાતના સમયે, પૂર્વ દિશામાં પદ્માસન જેવા શ્રેષ્ઠ આસનમાં તમારી કાયાને સ્થિર કરો. નવકારમંત્રના એક-એક પદનું મનમાં સ્મરણ કરતાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને હૃદયસિંહાસને સ્થાપિત કરો. મનોમન તેમને નમસ્કાર કરો. ચોક્કસ સંખ્યામાં નમસ્કારમંત્રનું સ્મરણ કરવા હાથની આંગળીઓનો કે, કલ્પિત એવાં કમળ આદિનો આશ્રય લો. તે શક્ય ન બને તો સૂતરની, રત્નની કે પરવાળા વગેરેની બનેલી માળાને હાથમાં લો. તેને હૃદય સામે રાખો. અંગૂઠા ઉપર એકએક પારો રાખી એક-એક નવકારમંત્ર ગણો. આ રીતે કરવાથી મનની એકાગ્રતા પ્રાપ્ત થશે અને સહજતાથી અરિહંતાદિના ધ્યાનમાં લીન બની શકશો.
એટલું ધ્યાન રાખવું કે, નવકારમંત્રના જાપને હૃદયસ્પર્શી બનાવવા માટે તેના ઉચ્ચારણ અને તેના અર્થ આદિનું જ્ઞાન તથા જાપ કરવાની વિધિનો બોધ હોવો અતિ આવશ્યક છે. આ મંત્ર એવો છે કે, શ્રદ્ધાપૂર્વક તેનો જાપ થાય તો બાહ્ય અત્યંતર સર્વ વિઘ્નો ટળી જાય છે; પરંતુ જ્યારે નમસ્કારમહામંત્રના એક એક પદનું તલસ્પર્શી જ્ઞાન હોય, પંચ પરમેષ્ઠીના ગુણોથી ચિત્ત આનંદિત થયું હોય,