________________
“વંદિત સૂત્ર
આ સૂત્રમાં મુખ્યતયા શ્રાવકનાં બાર વ્રતો અને વ્રતને મલિન બનાવે તેવા ૧૨૪ અતિચારોનું (દોષોનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. દોષોનું વર્ણન દોષો પ્રત્યેની સજાગતા કેળવવા માટે આપ્યું છે, પરંતુ આ તો અતિચાર છે, વતભંગ નથી, તેમ માની દોષોના સેવન માટે આપ્યું નથી.
અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે આ સૂત્રમાં જણાવેલ અતિચારો, અજ્ઞાનતાથી કે કોઈક વિશેષ સંયોગોમાં સેવાઈ ગયા હોય તો જ તે અતિચાર રહે છે; પરંતુ, વ્રતપાલનમાં નિરપેક્ષ બની, જાણી જોઈને જેઓ અતિચારોનું આસેવન કરે છે, તેના માટે તો આ અતિચાર, અનાચાર કે વ્રતભંગરૂપ જ બને છે; અને તેનું ‘પ્રતિક્રમણ આ સૂત્ર દ્વારા થઈ શકતું નથી. તે માટે તો ગુરુભગવંત પાસે જ વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવું જરૂરી બને છે.
વિચારપૂર્વક, હૃદયના ભાવ સાથે અને તે તે પ્રકારની સંવેદના સાથે આ સૂત્ર બોલવામાં આવે તો જરૂર દિવસ, રાત્રિ, પક્ષ, ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન કરેલાં સર્વ પાપો નિર્મળ થઈ શકે છે, પરંતુ ભાવ વગર માત્ર સૂત્ર બોલી જવાથી કોઈ વિશેષ ફળ મળતું નથી.
આથી જ, આ સૂત્રના માધ્યમે જેને આત્મશુદ્ધિ કરવી છે તેના માટે, આ સૂત્ર બોલતાં પહેલાં માત્ર શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે કરવું તેટલું નહિ, પરંતુ શુદ્ધ . શબ્દોચ્ચાર સાથે કયા ભાવ સુધી પહોંચવાનું છે, અને કેવા પ્રકારની સંવેદનાની આગ અંતરમાં પ્રગટાવવાની છે, તેનો પૂરતો અભ્યાસ કરવો અતિ અનિવાર્ય બને છે. તેમ કરવાથી જ આ સૂત્રનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. જેઓ આવી રીતે સૂત્રના મર્મ સુધી પહોંચવા પ્રયત્ન નથી કરતા તેઓ કદાચ થોડું પુણ્ય બાંધી શકે, પણ આત્મશુદ્ધિરૂપ ફળ મેળવી શકે નહિ. ગાથાનો ક્રમઃ
આ સૂત્રમાં જણાવેલ વ્રતોનું અણિશુદ્ધ પાલન કરવું અને વતદૂષણથી બચવું, એ એક અતિ વિકટ કાર્ય છે. આ વિકટ કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે આ સૂત્રના પ્રારંભમાં સૌ પ્રથમ પંચ પરમેષ્ઠીને વંદન કરવારૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે. એકાગ્રચિત્તે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવાથી વિઘ્નો દૂર થાય છે, અને વ્રતપાલનની વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે.