________________
૨૨૦
સૂત્રસંવેદના-૪
કેવા પ્રકારના ભાવથી પાપ થયું તેનું સ્મરણ કરે છે, અને સ્મૃતિમાં આવેલાં તમામ પાપોનું દુઃખાર્દ્ર હૃદયે ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત કરે છે. તે તે પાપને અનુરૂપ ગુરુભગવંત વિવિધ પ્રકારનાં તપ કે કાયોત્સર્ગાદિ ઉત્તરગુણસ્વરૂપ જે જે ક્રિયા કરવાની કહે છે, તે સર્વ ક્રિયા ‘આ મારા પાપનો દંડ છે’ એમ વિચારી તે રીતે કરે કે જેના દ્વારા પાપના સંસ્કારો નાશ પામે.
આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે -
લિપ્પ નવસામેરૂં વાદિ વ્વ સુસિવિલયો વિરો - સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેવો વૈદ્ય, જેમ વ્યાધિને જલદીથી શમાવે છે, તેમ...
શરીરને નીરોગી રાખવાનાં શાસ્ત્રોનો જેણે સારી રીતે અભ્યાસ કર્યો હોય તેને સુવૈદ્ય કહેવાય છે. સુવૈદ્ય વમન, વિરેચન, લાંઘણ કે ઔષધ દ્વારા જેમ રોગનો શીઘ્ર નાશ કરે છે; તેમ થોડાં પણ બાંધેલાં કર્મોને શ્રાવક હૃદયપૂર્વક પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ કરીને નાશ કરે છે.
આના ઉપરથી નક્કી થાય છે કે પાપકર્મનો નાશ કરવા પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણની સાધના એ ત્રણે જરૂરી છે. આ ત્રણ થાય તો જ પાપ નાશ પામે છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે—
“હૃદય-મંદિરમાં સમ્યગ્દર્શનરૂપ દીપક પ્રગટ્યો હશે તો ચિંતા નથી, કેમ કે બંધાયેલાં થોડાં પણ પાપને આ દીપકના માધ્યમે હું સમ્યક્ પ્રકારે જોઈ શકીશ, અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્નરૂપે પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને કાયોત્સર્ગાદિરૂપ ઉત્તરગુણનું સેવન પણ કરી શકીશ; પરંતુ જો આ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો નહિ હોય તો પાપને યથાર્થરૂપે ઓળખી પણ નહિ શકું, અને પાપકર્મને દૂર કરવાનો સુવિશુદ્ધ પ્રયત્ન પણ નહિ કરી શકું. આ કારણથી હવે મારે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી પ્રતિક્રમણના સુવિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરવા યત્ન કરવો છે, થયેલા પાપ પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપનો ભાવ પ્રગટાવવો છે, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે કાયોત્સર્ગાદિ ઉત્તરગુણોનું આસેવન કરી વૈદ્ય જેમ વ્યાધિને દૂર કરે તેમ મારે મારા કષાયોને અને કષાયથી પ્રગટતા દોષોને દૂર કરવા છે. પ્રભુ ! આપના પ્રભાવે મને તેમાં સફળતા પ્રાપ્ત થાઓ.”