________________
ભૂમિકા
આત્માને જે ક્ષણે ભાન થાય કે “પ્રમાદને વશ થઈ હું ભૂલ્યો છું, વિષયકષાયને આધીન થઈ હું ચૂક્યો છું, પરિણામે સુખનો માર્ગ ત્યજી મેં દુઃખનો માર્ગ અપનાવ્યો છે, શુદ્ધિનો વિચાર કર્યા વિના મેં જાતને અશુદ્ધ બનાવી છે, શાંતિસમાધિનો રાહ છોડી મેં અશાંતિ-અસમાધિનો માર્ગ પકડ્યો છે, ચિત્તની સ્વસ્થતાને ત્યજી મેં અસ્વસ્થતાનાં કારણો સ્વીકાર્યા છે;” તે જ ક્ષણે તેનું વલણ બદલાય છે. હિંસાદિ દોષોથી પાછો વળી તે અહિંસક ભાવમાં આવવા યત્ન કરે છે, આત્માની અશુદ્ધિઓને દૂર કરી તે શુદ્ધભાવ તરફ જવા યત્ન કરે છે, ધનાદિની આંધળી દોટ ઉપર અંકુશ મૂકીને સંસારની મોહ-મમતાને ઘટાડવા યત્ન કરે છે; પાપ પ્રવૃત્તિથી નિષ્પાપ પ્રવૃત્તિ તરફ આવવાનો, અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફ જવાનો જીવનો જે આ પ્રયત્ન, તે જ વાસ્તવમાં પ્રતિક્રમણ છે. ઉત્સર્ગ અને અપવાદથી પ્રતિક્રમણઃ
પ્રતિક્રમણની આ ક્રિયાને ઉત્સર્ગ અને અપવાદની દૃષ્ટિથી પણ વિચારી શકાય. દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધતાં આત્માની એક એવી ભૂમિકાનું સર્જન થાય છે, કે એકવાર જે અશુદ્ધિને પોતે દૂર કરે પુનઃ તેવી જ અશુદ્ધિ તો ન જ થાય, જે પાપનું કે ભૂલનું એકવાર “
મિચ્છા મિ દુક્કડ' આપે તે પાપ કે ભૂલ ફરી ક્યારેય ન જ થાય, વિષય, કષાય અને પ્રમાદ પ્રત્યે પણ એક એવી સાવધાની કેળવાઈ જાય કે સહજતાથી તેનાથી પર થઈ આત્મભાવમાં રહી શકાય. આત્મભાવમાં રહેવાની, સ્વભાવમાં સ્થિર થવાની આ પ્રક્રિયાને શાસ્ત્રકારો ઉત્સર્ગથી પ્રતિક્રમણ કહે છે.
આ જ વાતને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સીમંધર સ્વામીના ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે,
મૂળ પદે પડિક્કમણું ભાડું પાપતણું અણકરવું રે..” * મૂળપદ એટલે ઉત્સર્ગ માર્ગ. આ માર્ગથી તો પાપ કરવું જ નહિ તેને પ્રતિક્રમણ કહેવાય છે. કાદવમાં પગ ખરડીને પગ ધોવા કરતાં તો પગને ખરડાવવા જ ન દેવો તે જેમ વધુ સારું છે, તેમ પાપ કરી પુનઃ પુનઃ પ્રતિક્રમણ કરવું, તેના કરતાં તો પાપ કરવું જ નહિ તે જ વધુ સારું છે. ચિત્તવૃત્તિને એવી કેળવવી કે તે પાપકાર્યમાં ક્યાંય જોડાય જ નહિ. આથી જ કહેવાય છે કે પોતાના શુદ્ધભાવમાં, નિષ્પાપભાવમાં સદા રહેવું એ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે. ૩. ઉત્સર્ગ માર્ગ એટલે રાજમાર્ગ, સીધો માર્ગ અને અપવાદ માર્ગ એટલે કારશિક માર્ગ,
કેડીનો માર્ગ.