________________
સૂત્રસંવેદના-૪
સંગ્રહ કરાયેલી વસ્તુ પ્રત્યેની મમતા વધતી જાય છે. તેને નાથવા માટે મારે આ વ્રતનો સ્વીકાર કરવો અતિ જરૂરી છે, તેમ માની શ્રાવક આ વ્રતનો સ્વીકાર કરે.
૧૨૬
જિજ્ઞાસા : ટેન્શન વિના શાંતિથી જીવન જીવી શકાય તે માટે પણ આજે ઘણા જીવો અલ્પ ધનાદિ રાખે છે. તેઓ પરિગ્રહ-પરિમાણ-વ્રતવાળા કહેવાય કે નહિ ?
તૃપ્તિ : શાંતિથી જિવાય, તનાવ મુક્ત રહેવાય, તેટલા માટે જેઓ ધનધાન્યાદિ સામગ્રી ઓછી રાખે છે, પરંતુ અંદરમાં પડેલા મમતાના ભાવને કાઢવાની જેઓની ભાવના નથી, તેઓમાં આ વ્રત ઘટતું નથી. આ વ્રત તો તેઓમાં જ ઘટે છે જેને મમતા, અસંતોષ આદિ દોષો ખટકે છે, અને એ દોષોથી મુક્ત થવા જ પરિગ્રહનું પરિમાણ કરે છે; કેમકે આ વ્રતમાં ધનાદિની સંકોચવૃત્તિનું મહત્ત્વ નથી, પરંતુ, નિર્મમભાવની પોષક સંકોચવૃત્તિનું મહત્ત્વ છે; કારણ, બાહ્ય પરિગ્રહ પરિમાણ પણ આંતરિક પરિગ્રહને ઘટાડવા માટે છે.
आयरिअमप्पसत्थम्मि परिमाणपरिच्छेए, इत्थ पमायप्पसंगेणंપ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત એવા (લોભાદિ) ભાવોમાં વર્તતાં અહીં = પાંચમા અણુવ્રતના વિષયમાં (પરિગ્રહના) પરિમાણની નક્કી કરેલી મર્યાદાને નહીં પાળવામાં વ્રતનું જે ઉલ્લંઘન થયું હોય (તેનું હું પ્રતિક્રમણૅ કરું છું.)
આ વ્રતનો સ્વીકાર કરીને પણ ક્યારેક અજાણતાં કે ક્યારેક લોભાદિ કષાયને આધીન થઈ વ્રતમર્યાદાની બહારની ચીજ-વસ્તુને મેળવવાની ઇચ્છા થઈ હોય, કે તેવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય, પ્રમાદથી ક્યારેક વ્રત-મર્યાદા ચૂકાઈ ગઈ હોય, મર્યાદિત વસ્તુમાં પણ અતિ આસક્તિ કરી હોય - આવું કાંઈ પણ અપ્રશસ્ત આચરણ થયું હોય તો આ વ્રતવિષયક દોષ છે. આ દોષથી બચવા જ શ્રાવકે પરિગ્રહપરિમાણના પાલનથી થતા ફાયદા અને અપાલનથી થતાં નુકસાનને વિચારી, મનને પ્રથમથી એવું તૈયાર કરવું જોઈએ કે મનમાં કોઈ માઠા ભાવો પ્રગટે જ નહિ.
4. अपरिगह एव भवेद्वस्त्राऽभरणालंकृतोऽपि पुमान्, ममकारविरहितः सति ममकारे संगवान् - યોગશાસ્ત્ર (૨-૧૦૬) મમતા વિના વસ્ત્ર-આભરણોથી શોભતો પુરુષ પણ પરિગ્રહરહિત છે, અને નગ્ન (અતિ દરિદ્રી કે સર્વ પદાર્થોનો ત્યાગી) છતાં તેમાં મમત્વવાળો હોય તો પરિગ્રહવાળો છે.