________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૬૭
આ રીતે ભગવાનના વચનને સમજી-વિચારીને યથાશક્તિ જો તપધર્મનો આદર કરાય તો તપના કષ્ટમાં પણ ગ્લાનિ નથી થતી, પરંતુ ચિત્તની પ્રસન્નતા જળવાઈ રહે છે, મનને શાંતિ મળે છે, ઇન્દ્રિયો અંકુશમાં રહે છે, આધ્યાત્મિક ચિંતનનો સુંદર અવસર મળે છે અને પરિણામે તે તપના સમયમાં આત્મા અપૂર્વ આનંદ અનુભવે છે.
આહારાદિ સંજ્ઞાને તોડવા અને કર્મ ખપાવવાના ઉદ્દેશથી જેઓ તપ કરે છે, તેમને દુર્ગાનની સંભાવના રહેતી નથી. શરીરનું મમત્વ તોડવાના ઉદ્દેશથી જેઓ તપ કરે છે, તેમની ધર્મક્રિયામાં ઓટ આવતી નથી અને પોતાની શક્તિનો વિચાર કરીને જેઓ તપ ધર્મનો પ્રારંભ કરે છે, તેમને ઇન્દ્રિયોની હાનિનો પ્રશ્ન રહેતો નથી.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “ભગવાનના શાસનમાં માત્ર લાંઘણને તપાચાર નથી કહ્યો, પરંતુ ઉત્સાહપૂર્વક, કોઈપણ પ્રકારના ભૌતિક સુખની અપેક્ષા વિના, કર્મનિર્જરાર્થે. આત્મકલ્યાણ માટે કરાતો તપ જ તપાચાર કહેવાય છે. આથી આ સિવાયની કોઈપણ ઈચ્છાથી તપ થયો હોય તો તે મારા માટે તપાચારમાં અતિચાર સ્વરૂપ છે, અને શક્તિ હોવા છતાં પણ જો તપાદિમાં પ્રયત્ન ન થયો હોય તો તે પણ અતિચાર છે. આવા અતિચારોને યાદ કરી, પ્રતિક્રમણ કરતી વખતે તેની માફી માંગી, તેનાથી પાછા ફરવાનો હું સંકલ્પ કરું છું.”